વડોદરા નજીક કરજણ નેશનલ હાઇવે-48 ઉપર કંડારી પાસે કંપનીમાં રજા મૂકી ભત્રીજાના લગ્નમાં જવા માટે નીકળેલા યુવાનનું અજાણ્યા વાહનની અડફેટે આવી જતા મોત નીપજ્યું હતું.
કરજણ પોલીસ મથકમાંથી મળેલી માહિતી પ્રમાણે, કરજણ તાલુકાના વેમારડી ગામમાં રહેતા જયનારાયણ લાલચંદ્ર જૈસવાર (ઉં.વ.35) મૂળ ઉત્તરપ્રદેશના કારીગાંવનો વતની છે. સોમવારે સવારે તે કંપનીમાં ગયા હતા અને કંપનીના સત્તાવાળા પાસે ભત્રીજાના લગ્નમાં જવા માટે રજા માંગી હતી. સત્તાવાળાઓ દ્વારા તેને રજા આપી હતી. આથી તે લગ્નમાં જવા માટે નીકળ્યો હતો. કંપનીમાંથી બહાર આવી રોડ ક્રોસ કરીને સામેના રોડ ઉપર જઇ રહ્યા હતા તે દરમિયાન પુરપાટ પસાર થઇ રહેલા અજાણ્યા વાહને તેને અડફેટમાં લીધો હતો. તેના શરીરના કમરના ભાગ નીચે અજાણ્યા વાહનના તોતીંગ પૈડાં ફરી વળતા સ્થળ પર જ યુવાનનું તેનું મોત નીપજ્યું હતું.
આ બનાવની જાણ કંડારી ડાભી ફળિયામાં રહેતા મરનાર જયનારાયણ જૈસવારના બનેવી કન્હેયાલાલ પન્નાલાલ જૈસવારને થતાં તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા. તે સાથે આ બનાવની જાણ કરજણ પોલીસને કરવામાં આવતા પોલીસ પણ દોડી આવી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઇ વધુકાર્યવાહી હાથ ધરી હતી.