કરજણ હાઇવે પર રોડ ક્રોસ કરી રહેલા યુવાનને ટ્રકે અડફેટે લેતા સ્થળ પર કમકમાટીભર્યું મોત

મહેસાણાના બાલુસણા ગામનો અજય પરમાર રોજગારીની શોધમાં કરજણ આવ્યો હતો

MailVadodara.com - A-young-man-crossing-the-road-on-Karajan-highway-was-hit-by-a-truck-and-died-on-the-spot

- અજયને અન્ય હોટલમાં વધુ વેતનની નોકરી મળતા તે હોટલ પરથી 15 દિવસનું વેતન લઇ નોકરી છોડી અન્ય નોકરીના સ્થળે હાજર થવા જઇ રહ્યો હતો

વડોદરાના કરજણ હાઇવે પર રસ્તો ક્રોસ કરી રહેલા યુવાનને પુરપાટ પસાર થઇ રહેલી ટ્રકે અડફેટમાં લેતા તેનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માતમાં મોતને ભેટેલ યુવક એક હોટલમાં નોકરી કરતો હતો. અન્ય હોટલમાં સારો પગાર મળતા તે નોકરીને છોડી હિસાબ લઈને નીકળી ગયો હતો. તે દરમિયાન અકસ્માતનો ભોગ બન્યો હતો. મૃતક બીજા દિવસથી બીજી હોટલમાં નોકરીમાં હાજર થવાનો હતો.

કરજણ પોલીસ મથકમાંથી મળેલી માહિતી પ્રમાણે મહેસાણા જિલ્લાના ભાલુસણા ગામે પરમાર વાસનો વતની અજય જયેશભાઇ પરમાર (ઉં.વ.28) 15 દિવસ પહેલા રોજગારીની શોધમાં વડોદરાના કરજણ તાલુકા ખાતે આવ્યો હતો. કરજણના સાંસરોદ ગામે આવેલ ગેલેક્ષી હોટલ ઉપર સાફ-સફાઇની નોકરી મળતા હોટલ પર જ રહેતો હતો. જોકે, અજયને અન્ય હોટલમાં વધુ વેતનની નોકરી મળતા તે ગુરૂવારે ગેલેક્ષી હોટલ ઉપર હિસાબ કરી 15 દિવસનું વેતન લઇ નોકરી છોડી અન્ય નોકરીના સ્થળે હાજર થવા જઇ રહ્યો હતો.

હોટલમાં હિસાબ કરીને નીકળેલ અજય ચાલતા ચાલતા સપના હોટલ સામે આવેલ ભરુચ-વડોદરા ટ્રેક ઉપર પહોંચ્યો હતો અને રોડ ક્રોસ કરી રહ્યો હતો. તે સમયે પુરપાટ પસાર થઇ રહેલી ટ્રકે તેને અડફેટમાં લેતા સ્થળ પર કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. હોટલ પાસે બનેલા બનાવને પગલે લોકોના ટોળા એકઠાં થઇ ગયા હતા.

દરમિયાન આ બનાવ અંગેની જાણ કરજણ પોલીસને કરાતા તુરંત જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતદેહનો કબજો લઇ પીએમ માટે મોકલી આપ્યો હતો. તે સાથે પોલીસે મૃતક અજય પરમારના પરિવારજનોને બનાવની જાણ કરતા તેઓ કરજણ ખાતે દોડી આવ્યા હતા. આ બનાવ અંગે કરજણ પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Share :

Leave a Comments