- ફાયર બ્રિગેડની ટીમે યુવકના મૃતદેહને ટાવર પરથી નીચે ઉતારી રાવપુરા પોલીસને સોંપ્યો, મૃતકની ઓળખ થઈ નથી, પરિવારની શોધખોળ શરૂ
વડોદરાના નવલખી ગરબા ગ્રાઉન્ડમાં 22 ફૂટ ઊંચા લાઇટિંગ ટાવર પરથી આજે સવારે એક અજાણ્યા ઈસમનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાકર મચી જવાં પામી હતી. આ ઘટનાની જાણ થતાં રાવપુરા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. ઘટનાના પગલે નવલખી ગ્રાઉન્ડ ખાતે લોકટોળા ઉમટી પડ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના નવલખી ગ્રાઉન્ડ ખાતે હાલ VNF ગરબા યોજાઈ રહ્યા છે. અને ગરબામાં લાઇટિંગ માટે લગાવામાં આવેલ 22 ફૂટ ઊંચા લાઇટિંગ ટાવર પર એક અજાણ્યા ઈસમનો મૃતદેહ લટકી રહ્યો હોવાનો કોલ સવારે ફાયર વિભાગ મળતા ફાયર લાશ્કરો અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. જેથી ફાયર બ્રિગેડની ટીમે યુવાનના મૃતદેહને ટાવર પરથી નીચે ઉતાર્યો હતો અને રાવપુરા પોલીસને સોંપ્યો હતો. પોલીસ યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને પોલીસે યુવાનના આપધાત અંગે વધુ તપાસ હાથ ધરી છે.
દાંડિયા બજારના ફાયર બ્રિગેડના જવાન પ્રતાપ ડામોરે જણાવ્યું હતું કે, આજે સવારે 8.38 વાગ્યે ફાયરબ્રિગેડને કોલ મળ્યો હતો. બદાબડી બાગ કંટ્રોલ રૂમમાંથી કોલ મળ્યો હતો કે, એક વ્યક્તિ લાઇટના ટાવર ઉપર લટકેલો છે, જેથી અમે સ્થળ પર પહોંચી ગયા હતા. આ સમયે કોઈપણ સિક્યોરિટી ગાર્ડ હાજર ન હતા. કેટલાક લોકો ત્યાં હાજર હતા. અમે 22 ફૂટની ઊંચાઈએથી યુવાનના મૃતદેહને નીચે ઉતાર્યો હતો અને પોલીસને સોંપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, યુવાને લાઈટના પોલ પર ચડીને આપઘાત કર્યો તે સમયે નવલખી VNF ગરબા ગ્રાઉન્ડમાં કોઈ સિક્યોરિટી ગાર્ડ હતો કે નહીં તે સવાલ ઊભા થયા છે, ફાયરબ્રિગેડની ટીમ જ્યારે ગ્રાઉન્ડમાં પહોંચી, ત્યારે કોઈ સિક્યોરિટી ગાર્ડ હાજર નહોતા. જેથી યુવાન જ્યારે આપઘાત કર્યો, તે સમયે કોઈ સિક્યોરિટી ગાર્ડ હાજર નહીં હોય તેમ લાગી રહ્યું છે. જાે ગ્રાઉન્ડમાં કોઈ સિક્યોરિટી ગાર્ડ હાજર હોત તો યુવાનને આપઘાત કરતા રોકી શકાયો હોત અને યુવાનનો જીવ બચી શક્યો હોત.
રાવપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ પૂજા તિવારીએ જણાવ્યું હતું કે, આજે સવારે નવલખી ગ્રાઉન્ડ ખાતેથી યુવાનના મૃતદેહને જોતા એમ્બ્યુલન્સને જાણ કરી હતી અને એમ્બ્યુલન્સ તરફથી અમને જાણ થઈ હતી. જેથી અમારો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. મૃતકની ઓળખ થઈ શકી નથી અને પરિવારની ઓળખ કરવાની દિશામાં તપાસ શરૂ કરી છે. યુવાને વહેલી સવારે આપઘાત કર્યો હોય તેવું પ્રાથમિક દૃષ્ટિએ જણાય છે. જોકે, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોક્કસ સમય ખબર પડશે.
નવરાત્રિના સમયે જ યુવાને આપઘાત કરી લેતા ગરબા ગ્રાઉન્ડમાં ચકચાર મચી ગઈ છે. મૃતક યુવાનની ઓળખ થઈ શકી નથી, જેથી યુવાને કયા કારણોસર આપઘાત કર્યો તે હજી બહાર આવ્યું નથી. રાવપુરા પોલીસે મૃતકની ઓળખ કરવાની દિશામાં તપાસ શરૂ કરી છે.