- ઘરે જવાની ઉતાવળમાં યુવાન બાઇક લઇને રોંગ સાઇડ જઇ રહ્યો હતો
વડોદરાના પોર ગામ પાસે નેશનલ હાઇવે-48 ઉપર ટ્રક ટ્રેલરની અડફેટમાં આવી ગયેલા મોટરસાયકલ ચાલકનું કરુણ મોત નીપજ્યું હતું. મોટરસાયકલ ચાલક નોકરી ઉપરથી છૂટીને ઘરે જઇ રહ્યો હતો. ઘરે જવાની ઉતાવળમાં યુવાન રોંગ સાઇડ ઉપર મોટરસાયકલ લઇને જઇ રહ્યો હતો. આ દરમિયાન અકસ્માતનો ભોગ બન્યો હતો. આ બનાવ અંગે વરણામાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર વડોદરાના જિલ્લાના સમસાબાદ ગામે બારીયા ફળિયામાં રહેતો 35 વર્ષીય વિનોદ માધવભાઇ પરમાર છેલ્લા 3 વર્ષથી વડોદરા ગ્રામ્યના પોર ગામની સીમમાં આવેલ કે.વાય.બી. કોમેન્ટ નામની કંપનીમાં નોકરી કરતો હતો. શનિવારે વિનોદ સાંજના પોણા 6 વાગે નોકરીમાંથી છૂટી ઘરે જવા નીકળ્યો હતો. ઘરે જવાની ઉતાવળમાં તે રોંગ સાઇડ પરથી મોટરસાયકલ લઇને જતો હતો. આ દરમિયાન વડોદરાથી સુરત જતા માર્ગ ઉપર યુવાન ટ્રક ટ્રેલરની અડફેટે આવી ગયો હતો.
પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર એક મોટી કાળા કલરની લોખંડની પાઇપ ભરેલી ટ્રક ટ્રેલરમાં મોટરસાયકલ ચાલક વિનોદ પરમાર ભટકાતા રોડ ઉપર ફંગોળાયો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત વિનોદને તુંરત જ 108 એમ્બ્યુલન્સમાં વડોદરા સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જોકે, તેને સારવાર મળે તે પહેલાં તેનું મોત નીપજ્યું હતું. વિનોદના મોતે તેની કંપનીમાં ગમગીની ફેલાવી દીધી હતી. તો બીજી તરફ આ બનાવની જાણ પરિવારને થતાં ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તે સાથે વરણામાં પોલીસ પણ દોડી આવી હતી. આ બનાવમાં વરણામા પોલીસે રોંગ સાઇડ ઉપર મોટરસાયકલ લઇને નીકળેલા અને મોતને ભેટેલા વિનોદ પરમાર સામે અકસ્માતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.