- મહિલાએ બાપોદ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ગઠિયા સામે ફરિયાદ નોંધાવી
વડોદરા શહેરમાં હનુમાન જયંતિના દિવસે ઠેર-ઠેર ભંડારાનુ આયોજન કરવામાં આવ્યું હતું. ભંડારામાં મોટી સંખ્યામાં લોકો પ્રસાદીનો લાભ લેવા માટે ઉમટી પડયા હતા. જેમાં પતિ અને પુત્ર સાથે ભંડારામાં ગયેલી મહિલાને 40 હજારની સોનાની ચેઇન ગુમાવવાનો વારો આવ્યો હતો. ચેઇન ગુમાવનાર મહિલાએ બાપોદ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ગઠિયા સામે ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી અનુસાર ડભોઇ-વાઘોડિયા રીંગરોડ પર શ્રીજી ટાઉનશિપમાં રહેતા પ્રવિણાબેન જયંતીભાઈ રોહિત ઘર કામ કરે છે. બાપોદ પોલીસ સ્ટેશનમાં તેમને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, હનુમાન જયંતીના દિવસે હું અને મારા પતિ જયંતીભાઈ તેમજ મારો પુત્ર બ્રિજેશ હનુમાન જયંતિનો તહેવાર હોવાથી પરિવાર સાથે રાત્રે 8.30 વાગે ઘરેથી નીકળી વાઘોડિયા રોડ વૃંદાવન ચાર રસ્તા પાસે આવેલ શ્રી ભીડભંજન હનુમાનજીના મંદિરે દર્શન કરવા ગયા હતા.
હનુમાનજીના મંદિરે દર્શન કર્યા બાદ ભંડારામાં પ્રસાદી લેવા ગયા હતા. ત્યારબાદ રાત્રે 9 વાગે ભંડારામાં જમવા ગયા ત્યારે લોકોની ભીડ હોય કોઈ અજાણ્યા ચોરે મારા ગળામાંથી સોનાની ચેન અને પેન્ડલ મળી દોઢ તોલા વજનનો અછોડો કિંમત રૂપિયા 40,000 નો કાઢી લીધો હતો. ગળામાં તપાસ કરતા ચેઇન જણાઇ આવી નહતી. દરમિયાન આ અંગે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, ભંડારામા લોકોની ભીડનો લાભ લેવા માટે ચેઇન સ્નેચિંગ ટોળકી સક્રિય થઇ ગઇ હતી. કેટલાક લોકોના ખીસ્સા પણ કપાયા હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, પર્સ ગુમાવનાર કેટલાક લોકોએ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. ભંડારામાં ચેઇન સ્નેચિંગ અને ખીસ્સા કપાવવાની બનેલી ઘટનાઓએ ચકચાર મચાવી મૂકી હતી.