- બનાવ સંદર્ભે ગામમાં ભારે ચકચાર મચી જતા લોકો તળાવ કિનારે દોડી આવ્યા હતા
- મહિલાના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં લવાયો હતો
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચાપડ ગામે આવેલા તળાવમાં કચરો નાખવા ગયેલ 55 વર્ષીય મહિલાનો પગ લપસી જતા એજ સમયે તળાવ કિનારે બેઠેલો મગરે આધેડ મહિલા ઉપર તરાપ મારી પાણીમાં ખેંચી ગયો હતો. આ બનાવ સંદર્ભે ગામમાં ભારે ચકચાર મચી જતા ગામના લોકો તળાવ કિનારે દોડી આવ્યા હતા. મહિલાના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચાપડ ગામના ભાથુજી ફળિયામાં ચંપાબેન સનાભાઇ વસાવા (ઉં.વ.55) તેમના પરિવાર સાથે રહેતા હતા અને ઘરનું કામકાજ કરતા હતા. તેમના ઘરેથી થોડું દૂર ગામનું તળાવ આવેલ છે. ગામના તળાવમાં વિશ્વામિત્રીમાં આવતા પૂરને લઈને મગરો તળાવમાં આવી જતા હતા. તે બાદ મગર તળાવમાં જ વસવાટ કરી રહ્યાં છે.
આધેડ ચંપાબેન વસાવા રોજની જેમ ઘરનો કચરો વાળીને તળાવ કિનારે આજે સવારે કચરો નાખવા માટે ગયા હતા. તે વખતે મગર તળાવ કિનારે બેઠો હતો. ચંપાબેન તળાવમાં સવારે 8 વાગ્યાની આસપાસ કચરો નાખવા માટે ગયા હતા, તે વખતે કઆધેડ મહિલા ચંપાબેનનો પગ લપસ્યો હતો, જેથી તળાવ કિનારે બેઠેલો મગર અવાજથી ભડક્યો હતો અને તરત જ ચંપાબેન ઉપર તરાપ મારી જડબાંમાં પકડીને તળાવમાં ખેંચી ગયો હતો. મહિલાએ બૂમાબૂમ કરતા કેટલાક લોકો તળાવ કિનારે દોડી આવ્યા હતા.
બનાવની જાણ ચાપડ ગામમાં વાયુવેગે ફેલાઈ જતા ગામના લોકો તળાવ કિનારે દોડી આવ્યા હતા અને ચંપાબેનની શોધખોળ સ્થાનિક તરવૈયાઓએ કરી હતી. ચંપાબેનનો મૃતદેહ મળી આવતા મૃતદેહને બહાર કાઢી પોલીસને બનાવની જાણ કરવામાં આવી હતી. પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચ્યા બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.