- ૭૯ વર્ષના કમળાબેન ચાલી શકતા નથી
જવાહર નગર પોલીસે લાચાર વૃદ્ધાને મદદ કરી માનવતા મહેકાવી હતી. પોલીસની મદદથી ધનોરા ગામના વૃદ્ધાને વહીલ્ચેર મળતા તેમના ઓશિયાળા જીવનમાં ઘણી રાહત થઈ હતી.
પોલીસ ધારે તો શું ના કરી શકે? આ પ્રશ્નનો જવાબ જવાહરનગર પોલીસથી વધુ સારો કોઈ આપી શકે નહીં. પોલીસમાં માત્ર કઠોર દિલ જ હોય છે એ માત્ર ભ્રમણા છે એવું જવાહરનગર પોલીસ વારંવાર સાબિત કરી ચુકી છે. જવાહરનગર પોલીસ મથકના પો.ઈ. શેખને માહિતી મળી હતી કે ધનોરા ગામમાં રહેતા ૭૯ વર્ષના કમળાબેન ગોહિલ એકલા રહે છે અને છેલ્લા કેટલાય વર્ષોથી તેઓ ચાલી શકતા નથી. કમળાબેન થી ચલાતું ન હોવાથી તેઓ ઢસડીને ફરે છે. પો. ઈ. શેખે તેમના શી-ટીમના મહિલા કોન્સ્ટેબલ જીગીષાબેનને કમળાબેનને મદદ થાય એવા પ્રયાસો કરવાની સૂચના આપી હતી. પો. ઈ. શેખની સૂચના બાદ જીગીષાબેને દાતા ની શોધ કરતા પૂજા એન્ટરપ્રાઈઝના રાજુભાઈએ કમળાબેનને મદદ કરવાની તૈયારી બતાવી હતી. રાજુભાઈની મદદ થી જીગીષાબેને કમળાબેન ને વહીલ્ચેર અપાવી હતી. વહીલ્ચેર મળતા એકલવાયું જીવન જીવતા કમળાબેનના જીવનમાં ઘણી રાહત થઈ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ જવાહરનગર પોલીસે એક નિરાધાર વૃદ્ધાના અંધકારમય જીવનમાં વીજ કનેક્શન અપાવી ઉજાશ પાથર્યો હતો. આમ જવાહરનગર પોલીસ સમયાંતરે માનવતાની મહેક પ્રસરાવી વડોદરા શહેર પોલીસ વિભાગનું નામ ઉજળું કરી રહી છે.