- પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લિટર પાણીનો વેડફાટ થયો
શહેરમાં એક તરફ પાલિકાનું તંત્ર નગરજનોને પીવાનું શુદ્ધ અને ચોખ્ખું પાણી આપવામાં તદ્દન નિષ્ફળ સાબિત થયું છે. તેવામાં પાણીનો બગાડ થઈ રહ્યો હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે. મકરપુરા બરોડા ડેરીની સામે ખોદકામ સમયે પાણીની લાઈનમાં ભંગાણ થતા આશરે ચાર માળ સુધી પાણીનો ફુવારો ઉડ્યો હતો. પાલિકાનો આ કુત્રિમ ફૂવારો જોવા લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લિટર પાણીનો વેડફાટ થયો હતો. રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા.
વડોદરા મહાનગરપાલિકાની વધુ એક બેદરકારી છતી થઈ છે. શહેરના મકરપુરા રોડ ઉપર પાણીની લાઈનમાં લીકેજ થતા ફુવારા ઉડ્યા હતા. ઉલ્લેખનીય છે કે, પાલિકા દ્વારા લાખો કરોડો રૂપિયાના વિકાસના કામો કરવામાં આવે છે, પરંતુ પરિસ્થિતિ જેસે થે જેવી હોય છે. નવી પાણીની લાઈનો નાખવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવતા હોય છે. પરંતુ, આ કામગીરી શરૂ થતી વખતે આ કામોનું જરૂરી ઇન્સ્પેક્શન નહીં થતું હોવાના કારણે કોન્ટ્રાક્ટરો દ્વારા કામોમાં આડેધડ કામ પૂર્ણ કરી દેવાતા અંતે કમરતોડ વેરો ભરતા શહેરીજનોને જ હાલાકી વેઠવાની ફરજ પડતી હોય છે.
શહેરના મકરપુરા બરોડા ડેરીની સામે આવેલા એક કોમ્પ્લેક્સની બહાર માર્ગ ઉપરથી પસાર થતી પાણીની લાઈન (વાલ્વ) મોડી રાત્રે લીકેજ થતા ફુલ પ્રેશરથી પાણીનો ચાર માળ સુધીનો ફુવારો ઉડ્યો હતો. આ ઘટના બનતા પસાર થતાં વાહનચાલકો તેમજ રાહદારીઓ આશ્ચર્યચકિત થયા હતા. એક તરફ લોકોને અપૂરતા પ્રેશરથી અને દૂષિત પાણી મળી રહ્યું છે. તેવામાં આવી પાણીની લાઈનોમાં ભંગાણ વાલ્વ લીકેજની ઘટનાઓને કારણે હજારો-લાખો લિટર પીવાનું ચોખ્ખું પાણી ગટરમાં વહી રહ્યું છે.
મોડી રાત્રે પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ થતાં પાલિકા દ્વારા ભંગાણ બંધ કરવા માટે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી. જોકે પાણીનું લીકેજ બંધ થાય તે પહેલાં હજારો લિટર પાણી ગટરમાં વહી ગયું હતું. આ લીકેજના કારણે વિસ્તારમાં ઓછા પ્રેશરથી પાણી મળ્યું હતું.