- સ્ટેટ વિજિલન્સે રૂપિયા 94,310ની વિદેશી દારૂની કુલ 689 બોટલ સાથે મોબાઇલ, રોકડ, વાહન મળી 1,40,960ના મુદ્દામાલ કબ્જે કર્યો
વડોદરાના ગ્રામ્ય મંજુસર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સ્ટેટ વિજિલન્સ ટીમ દ્વારા ગત મોડી રાત્રે દરોડા પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક ઇસમની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સ્ટેટ વિજિલન્સે કરેલ કાર્યવાહીમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની 689 બોટલ સાથે કુલ રૂપિયા 94,310ના મુદ્દામાલ સાથે એક ઇસમની ધરપકડ કરી છે. જ્યારે અન્ય એક ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે. સ્ટેટ વિજિલન્સ ટીમની કામગીરી દરમિયાન સ્થાનિક પોલીસ ફરી એકવાર ઊંઘતી ઝડપાઇ છે.
વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અવાર નવાર દારૂના વેપલાનો પર્દાફાશ સ્થાનિક એજન્સીઓ દ્વારા કરવામાં આવતો હોય છે. પરંતુ આ મહિનામાં ત્રીજીવાર સ્ટેટ વિજિલન્સે કાર્યવાહી કરી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી લેવામાં આવ્યો છે. વડોદરા ગ્રામ્યના મંજુસર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ સોખડા ગામના રામટેકરા વિસ્તારમાં આવેલા એક મકાનમાં રેડ કરી કાર્યવાહી કરવામાં આવી છે. સ્ટેટ વિજિલન્સ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીમાં સ્થળ પરથી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 689 બોટલ જેની કિંમત રૂપિયા 94,310 સાથે મોબાઇલ ફોન અને રોકડ સાથે વાહન મળી કુલ કિંમત રૂપિયા 1,40,960ના મુદ્દામાલ સાથે ભરત રાજુભાઇ માળી (રહે. સોખડા ગામ, રામટેકરા)ની ધરપકડ કરી છે. જ્યારે દારૂ મોકલનાર ધવલ ઉર્ફે મુન્નો સુભાષ જયસ્વાલને વોન્ટેડ જાહેર કર્યો છે. આ કાર્યવાહી અંતર્ગત સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા મંજુસર પોલીસ મથકમાં પ્રોહિબિશન એકટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, થોડાક સમય અગાઉ પણ સ્ટેટ વિજિલન્સની ટીમ દ્વારા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રેડ કરી કાર્યવાહી કરવામાં આવી હતી અને મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. શહેર અને જિલ્લામાંથી અવારનવાર આ પ્રકારે દારૂનો જથ્થો ઝડપાઇ રહ્યો છે. વડોદરા શહેર અને ગ્રામ્ય પોલીસ સામે પણ અનેક સવાલો થઈ રહ્યા છે કે, સ્ટેટ વિજિલન્સ અહીં આવી કામગીરી કરી દારૂનો જથ્થો પકડે છે. ત્યારે સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થાય છે.