- મોડી રાત્રે બનેલા આ બનાવને પગલે રાત્રે કોઇને ખબર ન પડી, ખેતરમાં કેમિકલ ભરેલી ટેન્કર પલટી ખાઇ જવાના કારણે ખેતરમાં ભારે નુકશાન થયું
વડોદરા નજીક સાંકરદા ઔદ્યોગિક વસાહતમાં આવેલી કેડસ કંપનીમાં નાઇટ્રીક એસિડ કેમિકલ ખાલી કરવા માટે આવેલી ટેન્કર કંપની નજીક એક ખેતરમાં પલટી ખાઇ ગઇ હતી. અત્યંત જ્વલનશીલ મનાતા નાઇટ્રીક એસિડ ભરેલી ટેન્કરમાંથી ગેસ ગળતર થતાં સાંકરદા ગામના લોકોએ આંખોમાં બળતરા થવાની અને શ્વાસ લેવામાં તકલિફ પડતાની લોકો ફરિયાદો કરી હતી. મોડીરાત્રે બનેલી આ ઘટનાને પગલે સાંકરદા ગામના લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો.
મળેલી માહિતી પ્રમાણે વડોદરા નજીક સાંકરદા ગામ પાસે ઔદ્યોગિક એસ્ટેટ આવેલું છે. આ ઔદ્યોગિક એસ્ટેટમાં કેડસ કંપનીમાં એક ટેન્કર કેમિકલ ખાલી કરવા માટે આવ્યું હતું. જોકે, આ ટેન્કર કંપનીમાં જતા પૂર્વે એક ખેતરમાં પાર્ક કરવા જતા પલટી ખાઇ ગયું હતું. ટેન્કર પલટી ખાતા મોટા પ્રમાણમાં ગેસનું ગળતર થતા સાકરદાના ગ્રામજનોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. નાઈટ્રીટ એસિડ ભરેલ ટેન્કર પલટી ખાતા ગેસ હવામાં મિશ્ર થઈ જતાં સાંકરદાના ગ્રામજનોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો.
સાકરદા ખાતે આવેલ કેડેસ કંપનીમાં મોડી રાત્રે નાઈટ્રીક એસિડ ભરેલ એક ટેન્કર કંપનીમાં ખાલી કરવા માટે આવ્યું હતું. ટેન્કરની અંદર અત્યંત જ્વલનશિલ નાઈટ્રિક એસિડ ભરેલું હતું. જે ટેન્કર પલટી ખાતાની સાથે જ તેનું ગળતર થવાનું શરૂ થયું હતું. મોડી રાત્રે બનેલા આ બનાવને પગલે રાત્રે કોઇને ખબર પડી ન હતી.
આ દરમિયાન આજે સવારે ખેતરના માલિક રજનીકાંત પટેલ ખેતરમાં આવતા તેઓને ઘટનાની જાણ થઇ હતી. તેઓએ આ બાબતે સંબંધિત વિભાગોને જાણ કરી હતી. ટેન્કરમાં રહેલો નાઈટ્રીક એસિડ ખાલી થઈ જતા સાકરદાની આસપાસના વિસ્તારમાં હવામાં આ ગેસ ભળી ગયો હતો. જેના કારણે સ્થાનિક ગ્રામજનો સહિત આસપાસના ખેતરના માલિકોએ શ્વાસ લેવામાં તેમજ આંખોમાં બળતરા થવાની ફરિયાદો કરી હતી.
ખેતરના માલિક રજનીકાંત પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આજે મોડી સવાર સુધી પલટી ખાઇ ગયેલી ટેન્કર અંગે કંપની કે તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હોવાનો આક્ષેપ મૂક્યો હતો. આ બનાવને પગલે સાંકરદા ગામ સહિત આસપાસના વિસ્તારના લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો છે. મારા ખેતરમાં કેમિકલ ભરેલી ટેન્કર પલટી ખાઇ જવાના કારણે ખેતરમાં ભારે નુકશાન થયું છે.