- દરેક ગામના બે ખેડૂતોને `શક્તિમાન રોટાવેટ' મશીન 40 ટકા સબસિડી કાપીને આપવાનું તેમ જણાવી ત્રિપુટી રૂા. 33,200 પડાવી રફૂચક્કર
ખેતીની મોસમ શરૂ થતાંની સાથે ખેડૂતોને છેતરવા માટે ઠગ ટોળકીઓ સક્રિય થઇ ગઇ છે. ભેજાબાજ ટોળકીએ કરજણ તાલુકાના ગામોમાં જઇ ગુજરાત સરકારના `ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન'માંથી આવીએ છે. દરેક ગામમાંથી બે ખેડૂતોને `શક્તિમાન રોટાવેટ' મશીન 40 ટકા સબસિડી કાપીને આપવાનું `શક્તિમાન રોટાવેટ' કંપનીએ નક્કી કર્યું છે. તેમ જણાવી ચાર જેટલા ખેડૂતો સાથે રૂપિયા 33,200ની છેતરપિંડી કરી રફૂચક્કર થઇ જતાં તાલુકામાં ચકચાર મચી ગઇ છે. આ બનાવ અંગે કરજણ પોલીસે તપાસ શરૂ કરી છે.
કરજણ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ તા. 24-6-023ના રોજ કરજણ તાલુકાના સગડોળ ગામમાં ત્રણ વ્યક્તિ કાર લઇને આવ્યા હતા અને ગામમાં રહેતા ખેડૂત મહેન્દ્રસિંહ અટોદરીયાને જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના 'ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન'માંથી આવીએ છે. દરેક ગામમાંથી બે ખેડૂતોને `શક્તિમાન રોટાવેટ' મશીન 40 ટકા સબસિડી કાપીને આપવાનું `શક્તિમાન રોટાવેટ' કંપનીએ નક્કી કર્યું છે. તમારી બાજુમાં આવેલા માલોદ ગામમાં પણ બે `શક્તિમાન રોટાવેટ' મશીન આપેલા છે. નોંધનીય છે કે, ખેડૂતો `શક્તિમાન રોટાવેટ'ને 'રોટરી' કહે છે. જે ટ્રેક્ટરની પાછળ લાગે છે. જેમીન સમથળ કરવાનું કામ કરે છે. આ `શક્તિમાન રોટાવેટ' મોટું રૂપિયા 1,25,000નું અને નાનું રૂપિયા 80,000 બજાર ભાવ છે. જોકે, સરકાર ખેડૂતોને આ `શક્તિમાન રોટાવેટ' ખરીદવા માટે 40થી 50 ટકા સબસિડી આપે છે.
ગુજરાત સરકારના `ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન'ના નામે આવેલા ભેજાબાજોએ કરેલી વાતચિતમાં આવી ગયેલા ખેડૂત મહેન્દ્રસિંહ અટોદરીયાએ પણ `શક્તિમાન રોટાવેટ' મશીન સસ્તામાં ખરીદવા માટે રસ દાખવ્યો હતો. આથી ભેજાબાજ ત્રિપુટીએ મશીન નોંધાવવા માટે રૂપિયા 9600 ભરીને નોંધણી કરાવવી પડશે. ત્યારબાદ બાકીના રૂપિયા 40 ટકા સબસિડી કાપીને 6 હપ્તામાં ભરવાના રહેશે.
ગામમાં 7 વિઘા જમીન ધરાવતા ખેડૂત મહેન્દ્રસિંહ અટોદરીયાને પણ `શક્તિમાન રોટાવેટ'ની જરૂરીયાત હોઇ, તેઓ ભેજાબાજ ત્રિપુટીની જાળમાં ફસાઇ ગયા હતા અને ભેજાબાજ ત્રિપુટીએ જણાવેલા ચિરાગ ઉપાધ્યાય નામના વ્યક્તિના મોબાઇલ નંબર ઉપર ગુગલ પે કરીને રૂપિયા 9600 જમા કરાવી દીધા હતા. રકમ જમા થયા બાદ ઠગ ત્રિપુટીએ જણાવ્યું કે, ચાર દિવસમાં અમે `શક્તિમાન રોટાવેટ' મશીનો લઇને ડેમો બતાવવા માટે આવીશું. તમોને જે મશીન જાેઇશે તે મશીન બે દિવસમાં તમારા ઘરે આવીને આપી જઇશું. તેમ જણાવી ત્રિપુટી રવાના થઇ ગઇ હતી.
દરમિયાન ચાર દિવસનો વાયદો કરીને રૂપિયા 9600 ગુગલ પે કરાવીને રવાના થઇ ગયેલી ટોળકી ન આવતા ખેડૂત મહેન્દ્રસિંહે ટોળકીનો ફોન ઉપર સંપર્ક કરવાનું શરૂ કર્યું હતું. શરૂઆતમાં ફોન ઉપાડી ગોળ ગોળ જવાબો આપ્યા હતા. તે બાદ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. આથી મહેન્દ્રસિંહે તેઓની બાજુમાં આવેલા માલોદ ગામમાં રહેતા ખેડૂત ઝહીરભાઇ કેસરભાઇ ગરાસીયાનો સંપર્ક કરી 'શક્તિમાન રોટાવેટ' મશીન અંગે પૂછતા તેઓએ જણાવ્યું કે, હું પણ ટોળકીનો ભોગ બન્યો છું. અને મારા રૂપિયા 9600 ચિરાગ ઉપાધ્યાયના મોબાઇલમાં ગુગલ પે કરાવીને લઇ ગયા છે.
આ ભેજાબાજ ટોળકી દ્વારા સગડોલ, માલોદ ગામ સહિત વિવિધ ગામના અનેક ખેડૂતોને `શક્તિમાન રોટાવેટ' મશીન આપવાના નામે છેતરપિંડી કરવામાં આવી હોવાની વાત વહેતી થતાં, સમગ્ર તાલુકામાં ચકચાર મચી ગઇ હતી. આ ભેજાબાજ ટોળકીએ માલોદ ગામના ઝાહિરભાઇ કેસરભાઇ ગરાસીયાના રૂપિયા 9600, રાજુભાઇ મહંમદભાઇ ગરાસીયાના રૂપિયા 6000, સોયેબ ઉમરભાઇ ગરાસીયાના 8000 મળી ચાર ખેડૂતો પાસેથી કુલ્લે રૂપિયા 33,200 પડાવી ભેજાબાજ ટોળકી રફૂચક્કર થઇ ગઇ હતી.
કરજણ તાલુકાના સગડોળ ગામ રહેતા ખેડૂત મહેન્દ્રસિંહ ખુમાનસિંહ અટોદરીયા (રાજપુત)એ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે ભેજાબાજ ટોળકી સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. મહેન્દ્રસિંહ અટોદરીયાએ નોંધાવેલી ફરિયાદ સાથે પોલીસે ભોગ બનેલા અન્ય ખેડૂતોની અરજીઓ લઇ તપાસ શરૂ કરી છે. ટોળકી ઝડપાયા બાદ મોટું કૌંભાડ બહાર આવવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી.