- કન્ટેનર રસ્તા પર આડું પડી જતા એક તરફનો રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી, વાહનોની લાંબી કતારો લાગતા આખરે રૂટ ડાયવર્ટ કરાયો
વડોદરા શહેરના રાજમહેલ રોડ પર નવલખી મેદાનના કમ્પાઉન્ડ બહાર રોડ પર ટ્રેલર પર રહેલ કન્ટેનર એકાએક પલટી ખાઈ રોડ પર પડતા અફરાતફરી મચી ગઈ હતી. આ કન્ટેનર પલટી ખાતા આખો માર્ગ બંધ કરવાની ફરજ પડી હતી. આ ઘટનાની જાણ થતાં ફાયર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ કન્ટેનર પલટી ખાતા 3થી 4 લોકોને ઇજાઓ પહોંચી છે, તમામને સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
વડોદરા શહેરના રાજમહેલ રોડ પર દાંડિયાબજાર ચાર રસ્તા પાસે કોઠી તરફ જતા એક કન્ટેનર ટ્રેલરમાંથી પસાર થઇ રહ્યું હતું. કન્ટેનર ઝાડ સાથે ભટકાતા ટ્રેલરમાંથી સરકીને રસ્તા પર પડ્યું હતું. આ અકસ્માત દરમિયાન ટ્રેલર પાસેથી પસાર થઈ રહેલા બાઇક સવારને પગમાં ગંભીર ઇજાઓ પહોંચી છે. આ ઘટનામાં ત્રણથી ચાર વ્યક્તિ ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતનો કોલ મળતા જ દાંડિયાબજાર ફાયરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યૂની કામગીતી હાથ ધરી હતી.
ઘટનાની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ ઘટનાને પગલે પોલીસે કન્ટેનર કઈ રીતે પલટ્યું અને ટ્રેલરચાલક કોણ હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે. આ અકસ્માતમાં રામનાથ તિવારી (ઉં. 45) (રહે. દર્શનનગર, માંજલપુર), રાહુલ જાધવ, આદિલ શાહીદ અન્સારી (ઉં. 27 પત્રકાર સોસાયટી, તાંદલજા), નારાયણભાઇ રાજારામ તન્તેલકર (ઉં. 65) (શાસ્ત્રી પોળ)ને ઇજાઓ પહોંચી હતી.
રાજમહેલ રોડ પર અકસ્માતના પગલે ટ્રાફિકજામ સર્જાતાં માંજલપુરથી આવતો માર્ગ સંપૂર્ણપણે બંધ કરવાની ફરજ પડી હતી. સાથે શહેરના દાંડિયાબજાર તરફથી આવતા વાહનોની લાંબી કતારો લાગતા આખરે રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. ટ્રાફિક પોલીસના જવાનો દ્વારા ટ્રાફિકને દૂર કરવાની કામગીરીમાં જોતરાયા હતા.
આ અંગે ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, વડોદરા ફાયર કન્ટ્રોલ વિભાગને કોલ મળ્યો હતો કે, શહેરના રાજમહેલ રોડ પર એક કન્ટેનર પલટી ખાઈ ગયેલ છે. આ કોલ મળતાની સાથે જ દાંડિયા બજાર ફાયરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી કામગીરી હાથ ધરી હતી. 3થી 4 વ્યક્તિ ફસાયા હોવાની માહિતી મળી હતી અને સ્થળ પર પહોંચતા જ ત્યાં 4 વ્યક્તિ ફસાયા હતા. તમામ ફસાયેલ વ્યક્તિને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.