મુંબઇમાંથી 55 લાખ રોકડ સહિત રાજ્યમાં મોબાઈલ શોપમાંથી લાખોની ચોરી કરનાર તસ્કર ઝડપાયો

ક્રાઇમ બ્રાન્ચે ઘરફોડ ચોરીના 56 ગુનામાં પકડાયેલા રીઢા આંતરરાજ્ય તસ્કરને ઝડપ્યો

MailVadodara.com - A-trafficker-who-stole-lakhs-from-mobile-shops-in-the-state-including-55-lakh-cash-from-Mumbai-was-caught

- જેલમાંથી છૂટ્યા બાદ ચોરી શરૂ કરી,  વડોદરા, અમદાવાદ, સુરત અને અહમદનગરમાં ગુગલ સર્ચ કરી મોબાઇલ શોપ શોધીને દિવસે રેકી કર્યા બાદ રાતે ચોરીને અંજામ આપતો\

- પોલીસે તેની પાસેથી એક્ટિવા, 2 મોબાઇલ, ચોરી કરવાના સાધનો અને રોકડ મળીને કુલ 88,460 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે

વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઘરફોડ ચોરીના 56 ગુનામાં પકડાયેલા રીઢા આંતરરાજ્ય તસ્કરને ઝડપી પાડયો છે. વડોદરા, અમદાવાદ, સુરત અને અહમદનગરમાં મોબાઇલ શોપને ગુગલ સર્ચ દ્વારા શોધીને છેલ્લા 4 મહિનામાં કરેલી ઘરફોડ ચોરીના 5 ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.


વડોદરાના મુજમહુડા વિસ્તારમાં આવેલી ધ ફોન શોપ નામની દુકાનમાં 29 માર્ચના રોજ રાત્રિના સમયે તસ્કરો ઘૂસ્યા હતા અને 28 મોબાઇલ અને CCTVનું ડીવીઆ મળીને કુલ 6.51 લાખની મત્તાની ચોરી થઈ હતી. આ મામલે જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે વડોદરા ક્રાઇમ બ્રાંચના પીઆઇ આર.જી. જાડેજા અને એચ.ડી. તુવરની સૂચનાથી તેમની ટીમે તપાસ શરૂ કરી હતી. ટેક્નિકલ અને સીસીટીવી અને હ્યુમન સોર્સના આધારે તપાસ કરતા એક ઇસમ એક્ટિવા પર આવ્યો હોવાની માહિતી મળી હતી. આ દરમિયાન નોવીનો-તરસાલી રોડ પરથી શંકાસ્પદ હાલતમાં એક શખ્સ મળી આવ્યો હતો. એકિટવા લઈને નિકળેલા શખ્સને રોકીને તેની તપાસ કરતા તેની પાસેથી બે મોબાઇલ અને 7890 રૂપિયા રોકડા મળી આવ્યા હતા.


પોલીસ પૂછપરછમાં તેને પોતાનું નામ 36 વર્ષીય રામનિવાસ ઉર્ફે રામા મંજુ ગુપ્તા (રહે. કલ્યાણ, જિ.થાણે, મહારાષ્ટ્ર, મૂળ રહે. ઉત્તરપ્રદેશ) હોવાનું જણાવ્યું હતું અને છેલ્લા 14 મહિનાથી પોતાના આર્થિક ફાયદા માટે તેના સાગરીત સાથે મળીને મુંબઇ, રાયગડ અને પૂણેમાં મકાનો અને દુકાનોમાં ચોરીના 56 જેટલા ગુના આચર્યા હતા. 5 મહિના પહેલા જેલમાંથી છૂટ્યા બાદ એક્ટિવાનો ઉપયોગ કરીને મુંબઇની વાઇન શોપ-બારમાંથી 55 લાખથી વધુ રોકડ રકમ, સોનાના દાગીનાની ચોરી હતી હતી. ત્યારબાદ ગુગલ સર્ચ કરીને મોબાઇલ ફોનની શોપને શોધીને દિવસ દરમિયાન દુકાનની રેકી કરતા હતા અને રાત્રે ચોરીને અંજામ આપતા હતા. મહારાષ્ટ્રના અહમદનગરમાં 69 હજાર રૂપિયાની રોકડની ચોરી હતી. સુરતના કાપોદ્રામાં મોબાઈલ શોપમાં 29 લાખથી વધુની કિંમતના મોબાઇલની ચોરી કરી હતી. અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં એપલના મોબાઇલની ચોરી કરી હતી. ત્યારબાદ અમદાવાદથી વડોદરા પર એક્ટિવા પર આવ્યો હતો.


વડોદરાના અકોટા વિસ્તારમાં મોબાઈલ શોપમાં 6.51 લાખની કિંમતના મોબાઇલ ફોન અને રોકડ રકમની ચોરી કરી હતી. આ ચોરી તેને એક્ટિવા, મોબાઇલ, સાધનોના જેક, વાંદરીપાના, ડીસમીસ અને પાનાઓનો ઉપયોગ કરીને કરી હતી. તેની પાસે મળેલી રોકડ પણ ચોરીની હોવાનું બહાર આવ્યું હતું. જેથી વડોદરા ક્રાઇમ બ્રાંચે તેની ધરપકડ કરી છે અને જે.પી. રોડ પોલીસને આરોપીને સોંપ્યો છે અને અમદાવાદ, સુરત, મુંબઇ અને અહમદનગર પોલીસને જાણ કરી છે. પોલીસે તેની પાસેથી એક્ટિવા, 2 મોબાઇલ, ચોરી કરવાના સાધનો અને રોકડ મળીને કુલ 88,460 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Share :

Leave a Comments