- વડોદરા, અમદાવાદ, સુરત શહેરના 6 ગુનામાં ફરાર 39 વર્ષીય આરોપી ભાવેશ ચૌહાણને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે સુરતથી સ્કોડા કાર સાથે ઝડપી પાડ્યો
ગુજરાતના જુદા-જુદા શહેરોમાં ઓફિસ ખોલી વિઝા તેમજ ટુર ટિકિટો કાઢી આપવાના બહાને નાગરીકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરનાર અને વડોદરા, અમદાવાદ, સુરત શહેરના 6 ગુનાના ફરાર રીઢા આરોપીની વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે અને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરના જે.પી.રોડ પોલીસ સ્ટેશનમાં તારીખ 5 ડિસેમ્બર 2023ના નોંધાયેલી ફરિયાદ પ્રમાણે આરોપી ભાવેશ ચૌહાણ ફરીયાદીને ક્રીપા ઓવરસીસ નામની કન્સલ્ટન્સીના માલિક હોવાનું પોતે ઇમિગ્રેશન એજન્ટ તરીકેનું કામ કરતો હતો. લોકોને વિદેશમાં નોકરી અપાવતો હોય અને વર્ક પરમિટ વિઝા અપાવી દઈશ તેવું જણાવતો હતો. પરંતુ ફરીયાદીને વિદેશમાં મોકલી વર્ક પરમીટ વિઝા કરાવી આપવાનો ભરોસો અપાવ્યો હતો અને ફરીયાદી પાસેથી આરોપીએ એક લાખ રૂપિયા લઈને ફરીયાદીને વિદેશ મોકલ્યા નહોતા અને રૂપિયા પરત ન આપીને ઠગાઈ આચરી હતી. બે મહિના પહેલા ફરીયાદી આરોપીની ઓફિસે રૂપિયા પરત લેવા જતા આરોપીએ ફરીયાદીને ગાળો આપી પતાવી દેવાની ધમકી આપી હતી. તેમજ આરોપી ભાવેશ ચૌહાણે વિદેશ વિઝા અપાવવાનો વિશ્વાસ અપાવી બે સાહેદ પાસેથી 2.25 લાખ લઈને વિદેશ નહી મોકલી ઠગાઇ કરી હતી. આ ગુનાની તપાસ દરમિયાન આરોપીના ગુનાહિત ઠગાઈમાં આશરે 18 જેટલા નાગરીકો ભોગ બન્યા હોવાનું બહાર આવ્યું છે. આરોપીઓએ આ ભોગ બનનાર નાગરીકો પાસેથી 6 લાખ રૂપિયા વધુ મેળવી ઠગાઇ કરી હતી. ઠગાઇના ગુનામાં સંડોવાયેલો આરોપી ભાવેશ ચૌહાણ ગુનો નોંધાયા બાદ ફરાર થઇ ગયો હતો. જેથી ગુનો વધુ તપાસ માટે ક્રાઇમ બ્રાન્ચને સોંપી હતી.
ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર એચ.ડી.તુવરની ટીમે ગુનામાં સંડોવાયેલા આરોપી ભાવેશ ચૌહાણની ટેકનિકલ અને હ્યુમન સોર્સ આધારિત કરેલ સતત તપાસ દરમિયાન આરોપી હાલ સુરત ખાતે આશ્રય લેતો હોવાની માહિતી મળી હતી. 39 વર્ષીય આરોપી ભાવેશ અરવિંદભાઇ ચૌહાણ (રહે. વ્રજ રેસીડેન્સી, ગોત્રી-સમતા રોડ, વડોદરા, મૂળ રહે.રાંદેર, સુરત)ને સ્કોડા કાર સાથે શોધી કાઢી ગુનાના કામે ધરપકડ કરીને રિમાન્ડ લેવાની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા આરોપી ભાવેશ ચૌહાણ નાગરિકો પાસેથી વિઝા તેમજ ટુર ટિકીટ, હોટેલ બુકીંગના બહાને લાખો રૂપિયા મેળવી વિઝા કે ટુર ટિકિટ ન આપી તેમજ રૂપિયા પરત નહીં આપી ઠગાઈ કરવાની પ્રવૃતિ સાથે સક્રિય રીતે સંકળાયેલો હતો. આરોપી આરોપી ભાવેશ ચૌહાણ અગાઉ વડોદરા, ગોધરા, ભરૂચ, દાહોદ ખાતે ઠગાઇના 5 ગુનાઓમા પકડાયેલો છે તેમજ આરોપી હાલમાં વડોદરા શહેર ઉપરાંત સુરત, અમદાવાદ શહેરના ઠગાઈ સહિતના કુલ - 6 ગુનાઓમાં સંડોવાયેલો હોવાથી પોલીસ ધરપકડ ટાળવા ફરાર થઇ નાસતો ફરતો હતો.