- પોલીસે બાઈક પર ખભે થેલો લઈ બેઠેલા શખ્સને તપાસતા રોકડા 80 હજાર, શેમ્પુ અને જુદા-જુદા કેમિકલ અને પાવડરના પેકેટ અને બોટલ, નાની ડોલ, બાઉલ અને નાનું ટબ પણ મળ્યું
વડોદરાના મકરપુરા વિસ્તારમાં દાગીના ચમકાવી આપવાના નામે મહિલાઓને સાથે છેતરપિંડી કરતા ઠગને પોલીસે ઝડપી પાડ્યો છે. વડોદરાની જુદી જુદી સોસાયટી વિસ્તારોમાં એકલવાયી મહિલાઓને કંપનીના એજન્ટ તરીકે પરિચય આપી ઠગો દ્વારા વાતોમાં ફસાવ્યા બાદ વાસણો ચમકાવી આપીને વિશ્વાસમાં લેવામાં આવતી હોય છે. ત્યારબાદ દાગીના ચમકાવી આપવાના નામે સોનું ગાળી લેવામાં આવતું હોય છે.
મકરપુરા વિસ્તારમાં આ પ્રકારના બે બનાવ બન્યા હોવાથી પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવી રહ્યા હતા. જે દરમિયાન ઓળખાયેલા એક ઠગને પોલીસે તરસાલી આઈ.ટી.આઈ પાસેથી ઝડપી પાડ્યો હતો. બાઈક પર ખભે થેલો લઈ બેઠેલા શખ્સને પોલીસે તપાસતા થેલામાંથી રોકડા રૂ.80 હજાર મળ્યા હતા. આ ઉપરાંત શેમ્પુ તેમજ જુદા જુદા કેમિકલ અને પાવડરના પેકેટ અને બોટલ પણ મળ્યા હતા. બેગમાંથી નાની ડોલ બાઉલ અને નાનું ટબ પણ મળી આવતા પોલીસની શંકા સાચી પડી હતી.
પૂછપરછ દરમિયાન પકડાયેલા શખ્સનું નામ રાહુલ અરવિંદભાઈ શાહ (કંસારા) (એસટી નગર, જય મહારાજ સોસાયટી નંબર-2, નડિયાદ) હોવાનું ખુલ્યું હતું. બે મહિના પહેલા તેણે સાગરીત સાથે તરસાલીમાં એક વૃદ્ધાની બંગડીઓ ચમકાવી આપવાના નામે દોઢથી બે તોલાના દાગીના ગાળી લીધા હોવાની તેમજ બે દિવસ પહેલા માણેજામાં પણ એક મહિલાના પાટલા ચમકાવી આપવાના નામે કેટલું સોનું ગાળી લીધું હોવાની વિગતો ખુલી હતી. તેની પાસે મળેલી રોકડ રકમ વેચેલા સોનામાંથી મળેલા ભાગની હોવાની પણ વિગતો કબૂલી હતી.