- અઢી મહિના પહેલાં અમદાવાદથી ચોરેલી બોલેરો પીકઅપ ગાડી લઇ નવસારી ચોરી કરવા જતો હતો ત્યારે રસ્તામાં પોલીસ ચેકિગ જાેઇ છોડી ફરાર થઇ ગયા હોવાની પણ આરોપીની કબૂલાત
- આરોપી ફરીદ હુસૈન ઉર્ફે સિકંદર ઇબ્રાહીમ સૈયદ ગુનાહિત પ્રવૃત્તિના કારણે અગાઉ 5થી વધુ વખત પાસાં હેઠળ જુદી જુદી જેલમાં પણ મોકલાયો હતો
વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર એચ.આઈ. ભાટી અને ટીમને મળતી માહિતી આધારે કપુરાઇ ચોકડી પાસેના સર્વિસ રોડ પર પસાર થઇ રહેલી ફોરવ્હીલ ગાડીને રોકી હતી. ગાડીમાં અગાઉ અનેક ગુનાઓમાં પકડાયેલા શખ્સ ફરીદ હુસૈન ઉર્ફે સિકંદર ઇબ્રાહીમ સૈયદ (રહે.કિશાન નગર, ડભોઇ રોડ, વડોદરા) મળી આવ્યો હતો. આ શખ્સ પાસે ફોરવ્હીલ ગાડીના પેપર્સ માંગતા મળ્યા ન હતા. જેથી આ શખ્સની સઘન પૂછપરછ દરમિયાન તેને સવા બે મહીના પહેલા આણંદથી આ મારૂતી વેગનાર કાર ચોરી કરી લાવ્યો હોવાનું કહ્યું હતું. જેથી પોલીસે ફોરવ્હીલ ગાડીને કબજે કરી શખ્સ સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલી પુછપરછ દરમિયાન તેને આશરે અઢી મહીના પહેલા અમદાવાદ ખાતેથી એક બોલેરો પીકઅપ ગાડી ચોરી કરી હતી. ચોરી કર્યાના બે-ત્રણ દીવસ પછી કારખાના, ભંગારની દુકાનમાં ચોરી કરવાના ઇરાદે નવસારી જતો હતો, ત્યારે રસ્તામાં પોલીસ ચેકીંગ કરતી હતી, તે પકડાઈ ન જાય તે માટે આ ચોરી કરેલી બોલેરોને બીનવારસી છોડી ત્યાંથી ફરાર થઇ ગયો હતો. આ બાબતે ખાત્રી કરતાં અમદાવાદના વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં આ બોલેરો ચોરીમાં ગયા અંગેનો ગુનો નોંધાયેલો હોવાનું જણાતા ક્રાઇમ બ્રાન્ચે આણંદ અને અમદાવાદ પોલીસને જાણ કરી તેઓને આગળની વધુ તપાસ માટે સોંપવામાં આવ્યો છે.
50 વર્ષિય આરોપી ફરીદહુસૈન ઉર્ફે સિકંદર ઇબ્રાહીમ સૈયદ પાસેથી કબજે કરવામાં આવેલા મુદ્દામાલમાં એક મારુતિ ફોરવ્હીલ ગાડી જેની કિંમત રૂપિયા 1 લાખ સાથે આ આરોપી આણંદ ટાઉન પો.સ્ટેશન અને અમદાવાદ ગ્રામ્ય વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે.
પકડાયેલા આરોપીનો ગુનાહિત ઇતિહાસ આરોપી ફરીદહુસૈન ઉર્ફે સિકંદર સૈયદ છેલ્લા 24 વર્ષથી આર્થિક ફાયદા માટે અવારનવાર વાહન ચોરીના, ઘરફોડ ચોરીના ગુનાઓ કરતો હોય આ આરોપી વડોદરા શહેર ઉપરાંત મુંબઇ શહેર, અમદાવાદ, પંચમહાલ, વડોદરા ગ્રામ્ય, ભરૂચ, સુરત વગેરે ખાતે આવેલા જુદા જુદા પોલીસ સ્ટેશનમાં વાહન ચોરી, ઘરફોડ ચોરીઓના 50થી વધુ ગુનાઓમાં પકડાયેલો છે. તેમજ તેની આ ગુનાહિત પ્રવૃત્તિના કારણે 5થી વધુ વખત પાસા હેઠળ જુદી જુદી જેલમાં મોકલવામાં આવ્યો છે.