- દબાણ શાખાએ વહેલી સવારે જામતા ખાણીપીણીનાં સ્ટોલ-લારીઓના દબાણો દૂર કર્યાં, તંત્રની કામગીરી સામે વેપારીઓએ નારાજગી વ્યક્ત કરી
વડોદરા મહાનગર સેવા સદન દ્વારા છેલ્લા કેટલાંક સમયથી રસ્તામાં આવતા અને ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે આજે પાલિકાની દબાણ શાખાએ કમાટીબાગ રોડ ઉપર વહેલી સવારે જામતા ખાણીપીણીનાં સ્ટોલ-લારીઓના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. પાલિકાની દબાણ શાખા દ્વારા એક ટ્રક ભરીને માલસામાન જપ્ત કરવામાં આવ્યો હતો.
શહેરમાં ગેરકાયદે દબાણોથી વેપાર-ધંધો કરનારાઓનો રાફડો ચારેય તરફ ફાટી નીકળ્યો છે ત્યારે આજે પાલિકાની દબાણ શાખાની ટીમ વહેલી સવારે 5 વાગે કમાટીબાગ ફતેગંજ મેઇન રોડ પર ગેરકાયદે દબાણો કરીને ખાણીપીણી સહિત ઉકાળા અને અન્ય રમકડા જેવી ચીજવસ્તુઓનો વેપાર-ધંધો કરનારા પર ત્રાટકી હતી. પાલિકા દ્વારા આજે વહેલી સવારે સપાટો બોલાવતા વેપારીઓએ તંત્રની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, રહેવાસીઓ કસરત અને મોર્નિંગ વોકિંગ માટે વહેલી સવારે શહેરના કમાટીબાગ ખાતે આવતા હોય છે. અન્ય સહેલાણીઓ પણ સવારથી જ કમાટીબાગની મુલાકાતે આવતા હોય છે. જેથી, વહેલી સવારથી જ કમાટીબાગ ફતેગંજ મેઇન રોડ પર વિવિધ જાતજાતના ઉકાળા, ખાણીપીણી અને રમકડાવાળાં ગેરકાયદે અડિંગો જમાવીને વેપાર-ધંધો શરૂ કરી દેતા હોય છે. જેથી સવારથી જ ટ્રાફિકજામ થઇ જતો હતો. જે અંગે પાલિકા કચેરીને વારંવાર ફરિયાદો મળી હતી. જે ફરિયાદોના આધારે પાલિકાની દબાણ શાખા દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.
આજે વહેલી સવારે 5 વાગ્યાના સુમારે પાલિકાના દબાણ તંત્રની ટીમ કમાટીબાગ, કાલાઘોડા, ફતેગંજ વિસ્તારના મેઈન રોડ પર ત્રાટકી હતી. પરિણામે ગેરકાયદે અડિંગો જમાવીને વેપાર-ધંધો કરનારા અને વિવિધ ઉકાળા વેચનારા લારીધારકોમાં નાસભાગ મચી ગઈ હતી. આ રોડ ઉપર ખાણીપીણીનું મોટું બજાર બની ગયું હતું. નાસભાગ મચતાં દબાણ શાખાની ટીમે ચારેય બાજુથી કવર કરી કેટલીક લારીઓ સહિત ગલ્લાના દબાણો મળી એક ટ્રક જેટલો પરચુરણ માલ-સામાન કબ્જે કરતાં વિસ્તારમાંથી પસાર થતાં વાહનચાલકોને રસ્તો ખુલ્લો મળી ગયો હતો.