વડોદરામાં શિક્ષકે વ્યાજે લીધેલા 10.50 લાખ સામે 18 લાખ પરત કર્યા, છતા વ્યાજખોરે વધુ 20 લાખ માંગ્યા

તોસીફ ઇકબાલ મદારીએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

MailVadodara.com - A-teacher-in-Vadodara-returned-18-lakhs-against-10-50-lakhs-taken-on-interest-but-the-usurer-demanded-another-20-lakhs

- સિક્યોરિટી પેટે આપેલા ચેક બેંકમાં નાખી ચેક બાઉન્સનો ખોટો કેસ કર્યો હતો

વડોદરામાં વ્યાજખોર પાસેથી શિક્ષકે 10.50 લાખ રૂપિયા 20 ટકા વ્યાજે લીધા બાદ 18.33 લાખ રૂપિયા પરત કરી દીધા હતા. તેમ છતાં વધુ 20 લાખ રૂપિયા માગ્યા હતા અને સિક્યોરિટી પેટે આપેલા ચેક પણ બેંકમાં નાખી ચેક બાઉન્સનો ખોટો કેસ કર્યો હતો. આ મામલે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

વડોદરાના પાણીગેટ બાવામાનપુરા વિસ્તારમાં આવેલ અમરોહા કોલોનીમાં તોસીફ ઇકબાલ ઇબ્રાહીમભાઈ મદારી (ઉં.વ. 36)એ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું અગાઉ જૂની ફોરવ્હિલ ગાડીઓનો લે-વેચનો ધંધો કરતો હતો. જેથી ધંધા માટે મારે રૂપિયાની જરૂર પડતા મારા મિત્ર તોસીફ અજીજભાઈ મેમણ (રહે. જૂની ગઢી, રોયલ એપાર્ટમેન્ટ, વડોદરા)ને વાત કરતા તેઓએ મને જણાવ્યું હતું કે, મારા માસીના દીકરા ઇમરાનભાઈ હારુનભાઈ જિંદાણી (રહે-અમન પાર્ક, સુરેન્દ્રનગર) પાસે નાણાં ધીરધાર કરવાનું લાઇસન્સ નથી, પરંતુ જરૂરિયાતમંદ વ્યક્તિઓને સિક્યોરિટી પેટે ચેકો લઈને 20 ટકાના વ્યાજે રૂપિયા આપવાનો ધંધો કરે છે અને તમારે રૂપિયાની જરૂર હોય તો હું ઇમરાનભાઈને વાત કરું. જેથી મેં વ્યાજે નાણાં લેવાની હા પાડી હતી.

તોસીફ મેમણે ઇમરાન જિંદાણીને વાત કરીને ઇમરાન જિંદાણી પાસેથી વર્ષ-2021માં 10.50 લાખ રૂપિયા દર મહિને 20 ટકાના વ્યાજે લીધા હતા અને આ રકમની સામે મારી પાસેથી સિક્યોરિટી પેટે 8 ચેક માગ્યા હતા. પરંતુ મારી પાસે આઠ ચેક હાજરમાં ન હોય જેથી મેં ચાર કોરા ચેક કુરિયરથી મોકલ્યા હતા અને બીજા ચાર ચેકો ખૂટતા હોય મેં મારા મિત્રો પાસેથી ઉછીના ચેક લઈને કુરિયરથી ઈમરાનને સુરેન્દ્રનગર ખાતે મોકલી આપ્યા હતા અને રૂપિયા તેઓ આંગડિયા પેઢી મારફતે તોસીફને મોકલતા હતા.

ત્યારબાદ મેં ઇમરાન હારૂન જિંદાણીને 18.33 લાખ રૂપિયા પરત ચૂકવી દીધા હતા. મેં મુદ્દલ રકમ કરતા વધારે વ્યાજ પેટે 7.83 લાખ રૂપિયા ચૂકવ્યા છે, તેમ છતાં મેં આપેલા મારા અને મારા મિત્રોના કુલ 8 ચેક પરત માગતા આપ્યા નહોતા અને મારી પાસે વધુ 20 લાખ રૂપિયાની માગણી કરી ઊંચું વ્યાજ મેળવવા માગતા હતા. જેથી મેં આપવાની ના પાડી હતી. જેથી તેઓએ મેં આપેલા ચેક પૈકી 2 ચેક બેંકમાં નાખ્યા, પણ પૂરતું બેલેન્સ ન હોવાના કારણે ચેક બાઉન્સ થયા હતા. જે બાબતે તેઓએ મારા મિત્ર ફરહાન ફારુકીના વિરુદ્ધમાં ખોટી રીતે નેગો. એક્ટ કલમ-138 મુજબ સુરેન્દ્રનગર કોર્ટમાં કેસ કર્યો છે. આ મામલે મેં ઇમરાન જિંદાણી સામે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Share :

Leave a Comments