બરાનપુરામાં ઓઇલ ડેપોમાં અચાનક આગ લાગતા લાકડાના બ્રેકેટ અને અન્ય સામાન બળીને ખાખ

આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું

MailVadodara.com - A-sudden-fire-at-an-oil-depot-in-Baranpura-gutted-wooden-brackets-and-other-goods

- લાશ્કરોએ ભારે જહેમત બાદ 10 ફાયર ફાઈટરની મદદથી આગને કાબુમાં લીધી

વડોદરાના બરાનપુરામાં આવેલા ઓઇલ ડેપોમાં આજે સવારે અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. એસ. કે. એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુકાન તેલની એજન્સી ધરાવતી હોવાનું સામે આવ્યું છે. આગની ઘટનાની જાણ થતાં ફાયર વિભાગનો કાફલો દોડતો થઈ ગયો હતો. ફાયરના લાશ્કરોએભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું હતું. દુકાનમાં લાકડાના બ્રેકેટ બળીને ખાખ થઈ ગયા હતા તો તેલના ડબ્બા બચી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. 


મળતી વિગતો અનુસાર વડોદરાના બરાનપુરા વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપ સામે  આવેલી એસ. કે. એન્ટરપ્રાઇઝ નામની તેલની એજન્સીમાં આજે સવારે 8:00 વાગ્યાના સુમારે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગના બનાવને લઇ સ્થાનિકોએ વડોદરા ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. સદનસીબે આ ઘટનામાં મોટી જાનહાની થઈ નથી. પરંતુ વ્યાપારીના દુકાનમાં રહેલા લાકડાના બ્રેકેટ અને અન્ય સામાન બળીને ખાખ થઈ ગયો હતો. જોકે તેલના ડબ્બાને કોઈ નુકસાન ન થયું હોવાનું હાલમાં જાણવા મળ્યું છે. 


વડોદરા ફાયર વિભાગના સૈનિક રવિન્દ્ર કદમે જણાવ્યું હતું કે, બરાનપુરા પેટ્રોલ પંપ સામે આવેલી તેલની દુકાનમાં આગ લાગી હોવાના મેસેજ ફાયર વિભાગને મળ્યો હતો. જેને પગલે તાત્કાલિક દાંડિયા બજાર ફાયરની ટીમ રવાના થઈ હતી. આ આગ બરોડા એજન્સીમાં લાગી હતી અને તેના માલિક બાલુપ્રસાદ ઠક્કર છે. તેઓની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે. આ આગમાં લાકડાના બ્રેકેટ અને અન્ય સામાન બળીને ખાખ થઈ ગયો હતો. જોકે તેલના ડબા બચી ગયા છે.


વધુમાં જણાવ્યું હતું કે, આ આગમાં દાંડિયા બજાર અને ગાજરાવાડી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક પહોંચી હતી. જેમાં બે ફાયર એન્જીન અને એક પાણીની ટાંકી દ્વારા આગને કાબુમાં લેવામાં આવી હતી. ભારે જહેમત બાદ 10 ફાયર ફાઈટરની મદદથી આગને કાબુમાં લીધી હતી. ફાયર વિભાગને કોલ મળતાની સાથે જ તાત્કાલિક અમે રવાના થયા હતા, પરંતુ વડોદરા શહેરમાં પથ્થરગેટ અને અન્ય સ્થળે ટ્રાફિકના કારણે ફાયર વિભાગની ટીમ પહોંચતા થોડું લેટ થયું હતું. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી.

Share :

Leave a Comments