- દર વર્ષે 100 વિદ્યાર્થીઓને સ્કોલરશિપ અપાય છે, આ વર્ષે અમી પટેલ સહિત 23ને ફેલોશિપ અપાઇ, ફોર્મસ ક્ષેત્રે દેશમાં માત્ર એક જ સ્કોલરશિપ અપાય છે
વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફાર્મસી ફેકલ્ટીની વધુ એક વિદ્યાર્થિનીને દેશની પ્રતિષ્ઠિત પ્રધાનમંત્રી ફેલોશિપ ફોર ડોક્ટરલ રિસર્ચ મળી છે. આ ફેલોશિપ માટેની પસંદગી પ્રક્રિયા ઘણી આકરી હોય છે. જેમાં એક કરતા વધારે તબક્કામાંથી અરજી કરનાર સંશોધકોને પસાર થવું પડતું હોય છે. ફેલોશિપમાં 50 ટકા સહાય સરકાર તથા 50 ટકા રકમ જે તે ઈન્ડસ્ટ્રિઝ દ્વારા ચૂકવવામાં આવતી હોય છે. સંશોધકોને કુલ મળીને દર મહિને 81,000 રૂપિયા સહાય મળતી હોય છે.
ફાર્મસી ફેકલ્ટીની પીએચડી સ્કોલર અમી ઘનશ્યામભાઇ પટેલ એન્ટી માઈગ્રેન ડ્રગની નવતર પ્રકારની દવા બનાવવા માટે તેમજ તેની નોવેલ ડ્રગ ડિલિવરી સિસ્ટમ વિકસાવવા માટે કામ કરી રહી છે. તેણે કહ્યું હતું કે, મેં 3 કંપનીઓએ આ દવાના સંશોધન માટે પ્રયત્ન કર્યો હતો અને એક ફાર્મા કંપનીએ તેમાં રસ બતાવીને ફેલોશિપમાં જોડાવા માટે તૈયારી બતાવી હતી.
ફેલોશિપ પ્રસ્તાવ સ્વીકારતી વખતે વિદ્યાર્થિનીનું રિસર્ચ ભવિષ્યમાં ઉભી થનારી માર્કેટની ડીમાન્ડ પર તેમજ દવા ઉદ્યોગના રસ પર આધારિત છે કે નહીં તેની પણ સમીક્ષા કરવામાં આવી હતી. આ બાબતના આધારે જ દર વર્ષે મહત્તમ 100 વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવતી હોય છે. આ વર્ષે અમી પટેલ સહિત 23 સ્કોલર્સને ફેલોશિપ અપાઈ છે. ફાર્મસી ક્ષેત્રમાં આખા દેશમાં માત્ર એક જ સ્કોલરશિપ અપાઈ છે અને તે ફાર્મસી ફેકલ્ટીના ફાળે આવી છે. આ ફેલોશિપ મેળવનાર અમી પટેલ સ્પોર્ટસમાં પણ આગળ છે, તેણે ટેબલ ટેનિસ અને જુડોમાં રાષ્ટ્રીય સ્તરે નામના મેળવી છે.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ ફાર્મસી ફેકલ્ટીના બે વિદ્યાર્થીઓ આ પ્રતિષ્ઠિત ફેલોશિપ મેળવી ચુકયા છે અને ફેકલ્ટીના ત્રીજા સ્ટુડન્ટસની ફેલોશિપ માટે પસંદગી થઈ છે.