- ત્રણ માળની ડીઈઓ કચેરીના બીજા માળના મોટાભાગના બંધ પડી રહેલા રૂમોની સાફ-સફાઈ કરીને હવે ફરીથી કાર્યરત કરવામાં આવ્યા
વડોદરા ડીઈઓ કચેરીમાં છેલ્લા એક મહિનામાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. ત્રણ માળની ડીઈઓ કચેરીમાં પહેલા માળને બાદ કરતા પહેલા અને બીજા માળના મોટાભાગના રૂમો બંધ હાલતમાં હતા. જેની સાફ-સફાઈ કરીને હવે તે ફરી કાર્યરત કરવામાં આવ્યા છે.
મળતી વિગતો પ્રમાણે ડીઈઓ કચેરીના એજ્યુકેશન ઈન્સ્પેક્ટરો અત્યાર સુધી ગ્રાઉન્ડ ફ્લોર પરના એક મોટા રૂમમાં બેસતા હતા. આ રૂમને હવે સ્ટ્રોંગ રૂમમાં ફેરવી નાંખવામાં આવ્યો છે. ડીઈઓ કચેરી રાજ્ય સરકારની નાની-મોટી ૨૫ જેટલી સ્પર્ધાત્મક પરીક્ષાઓ દર વર્ષે વડોદરામાં લે છે. આ પરીક્ષાના પેપરો અને ઉત્તરવહીઓ મુકવા માટે સ્ટ્રોંગરૂમની જરૂર પડતી હોય છે.દર વખતે પરીક્ષા ટાણે કોઈ સ્કૂલના રૂમોનો ઉપયોગ સ્ટ્રોંગરૂમ તરીકે કરવામાં આવે છે. તેની જગ્યાએ હવે ડીઈઓ કચેરીમાં ગ્રાઉન્ડ ફ્લોર પર એજ્યુકેશન ઈન્સ્પેકટરોની ઓફિસને સ્ટ્રોંગરૂમમાં ફેરવી નાંખવામાં આવી છે.
ડીઈઓ રાકેશ વ્યાસનુ કહેવુ છે કે, આ ઓફિસની બારીઓ બંધ કરીને જરૂરી ફેરફાર કરાયા છે. અહીંયા મહત્તમ ૫૦,૦૦૦ પેપરો અને ઉત્તરવહીઓ રાખી શકાશે. સ્ટ્રોંગરૂમ પર ૨૪ કલાક નજર રહી શકે તે માટે બે સીસીટીવી કેમેરા પણ મુકવામાં આવ્યા છે. જ્યારે કચેરીના ૬ એજ્યુકેશન ઈન્સ્પેક્ટરોને પહેલા માળ પરના બંધ રૂમ ફાળવવામાં આવ્યા છે. દરેક ઈન્સ્પેકટરને અલાયદો રૂમ અપાયો છે. કચેરીના બીજા માળના મોટાભાગના રૂમો બંધ હાલતમાં હતા. તેમાં પડેલી વસ્તુઓ હટાવીને, તેની પણ સાફ સફાઈ કરવામાં આવી છે. અહીંયા ૧૩ આસિસ્ટન્ટ એજ્યુકેશન ઈન્સ્પેક્ટરોને જગ્યા ફાળવવામાં આવી છે. આમ કારેલીબાગ ખાતે ડીઈઓ કચેરી ખસેડવામાં આવી તે બાદ પહેલી વખત આ કચેરીના ત્રણેય ફ્લોર ઉપયોગમાં લેવામાં આવી રહ્યા છે.