ગાજરાવાડી સ્લોટર હાઉસમાં 50 પશુના નિકાલ માટે 14.62 કરોડના ખર્ચે અત્યાધુનિક પ્લાન્ટ તૈયાર કરાશે

હાલ પ્રતિદિન 15 પશુઓનો નિકાલ કરાય છે, દુર્ગંધ ઓછી થવાનો દાવો

MailVadodara.com - A-state-of-the-art-plant-will-be-prepared-at-a-cost-of-14-62-crores-for-the-disposal-of-50-animals-in-the-Gharrawadi-Slaughter-House

વડોદરા મહાનગર પાલિકા દ્વારા શહેરના ગાજરાવાડી ખાતે આવેલા સ્લોટર હાઉસની હાલની રોજના 15 પશુઓના નિકાલ માટેની ક્ષમતામાં વધારો કરી 50 પશુઓના નિકાલ માટેનો અત્યાધુનિક પ્લાન્ટ તૈયાર કરવામાં આવશે. આ પ્લાન્ટની ક્ષમતા વધ્યા બાદ વિસ્તારના લોકોને દુર્ગધમાથી છૂટકારો મળશે તેવો પાલિકા દ્વારા દાવો કરવામા આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, સ્થાનિક કોંગ્રેસના કાઉન્સિલર દ્વારા છેલ્લા ઘણાં વર્ષોથી સ્લોટર હાઉસ સિટી બહાર લઇ જવા માટે રજૂઆત કરવામાં આવી રહી છે. પરંતુ, પાલિકા દ્વારા આ સ્લોટર હાઉસ સિટી દૂર લઇ જવાને બદલે હયાત સ્થળે અત્યાધુનિક ટેકનોલોજી સાથે કેપેસિટી વધારવા માટે જઇ રહ્યું છે.

સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. શિતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, ગાજરાવાડી હાથીયાખાડ સ્લોટર હાઉસનું અપગ્રેડેશન, ઇન્સ્ટોલેશન અને બાયો ડાઇજેસ્ટરની કામગીરી હાથમાં લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. હાલ આ પ્લાન્ટની કેપેસીટી 5 ટન પ્રતિદિન છે. જેમા વધારો કરીને 25 ટન કરવામાં આવશે. આ પ્લાન્ટ દ્વારા પ્રતિદિન 15 મોટા પશુઓનો નિકાલ કરવામાં આવે છે. આ પ્લાન્ટ વર્ષ 2020થી કાર્યરત છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડોદરાના હદ વિસ્તારમાં વધારો થવાની સાથે શહેરમાં મરણ પામતા પશુઓની સંખ્યામાં વધારો નોંધાઇ રહ્યો છે. ઘણી વખત પશુઓમાં કોઇ પ્રકારનો રોગચાળો ફેલાતા ઢોરની મૃત્યુ થવાની સંભાવનામાં પણ વધારો થાય છે. તેવા સમયે હાથીયાખાડ ખાતે મોટા પ્રમાણમાં મૃત પશુઓ લાવવામાં આવે છે. અને તેનો પુરતો નિકાલ ન થાય ત્યાં સુધી ખુલ્લામાં પડયા રહે છે. જેથી વિસ્તારમાં દુર્ગંધ આવવાનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. જેથી સ્થાનિકો દ્વારા કોર્પોરેટરને તે અંગે રજૂઆતો કરવામાં આવે છે. જેથી આ પ્લાન્ટની કેપેસીટી વધારવાની જરૂરીયાત જણાય છે.

આથી, ગાજરાવાડીના હાથીયાખાડ ખાતેના સ્લોટર હાઉસના પ્લાન્ટમાં વિસ્તૃતિકરણના કામ માટે જીઆઇટીસીઓની નિમણૂક કરવામાં આવી છે. આ કામ માટે અવની એન્ટરપ્રાઇઝનું ઓછા અને વ્યાજબી ભાવનું રૂપિયા 14.62 કરોડનું ભવપત્રક આવ્યું હતું. કુલ ત્રણ રસ ધરાવતી પાર્ટીઓ દ્વારા ભાવપત્રક રજૂ કરવામાં આવ્યા હતા. જે પૈકી અવની એન્ટર પ્રાઇઝનું ભાવ પત્રક મંજૂર કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, આ સ્લોટર હાઉસ સિટીથી દૂર લઇ જવા માટે અનેક વખત સ્થાનિક કોંગ્રેસના કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવ (ભથ્થું) દ્વારા રજૂઆત કરવામાં આવી છે. તેઓએ વિસ્તારના લોકોના આરોગ્યને પણ નુકસાન થઇ રહ્યું હોવાની રજૂઆત કરવામાં આવી છે. આમ, છતાં પાલિકા દ્વારા સ્લોટર હાઉસ સિટી બહાર લઇ જવાને બદલે હયાત સ્થળે જ તેની ક્ષમતા વધારવામાં આવશે.

Share :

Leave a Comments