ફતેગંજ મેઇન રોડ પર 24 કલાકમાં જ બીજો ભુવો પડતાં સામાજિક કાર્યકરે વચ્ચે બેસી અનોખો વિરોધ નોંધાવ્યો

ફતેગંજ પેટ્રોલપંપની સામેની બાજુ ભુવો પડતાં વાહનચાલકોમાં અકસ્માતની ભીતિ સર્જાઇ

MailVadodara.com - A-social-worker-sits-in-the-middle-and-registers-a-unique-protest-as-second-landslide-falls-in-24-hours-on-Fateganj-main-road

- કાર ફસાઇ તે સમયે ખબર પડી હતી કે, અહીં ભુવો પડયો છે

- સામાજિક કાર્યકર કમલેશ પરમારે કહ્યું, વગર વરસાદે ભુવો પડે એ વડોદરા શહેર માટે શરમજનક બાબત છે


વડોદરાના વોર્ડ-3 ફતેગંજ મેઇન રોડ વિસ્તારમાં થોડા દિવસો પહેલા જ રોડનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું. જ્યાં ગઈકાલે ભૂવો પડ્યો હતો અને આજે પણ પાંચ ફૂટના અંતરે બીજો ભુવો પડતા સિલસિલો યથાવત જોવા મળ્યો હતો. આ ઘટના અંગે સામાજિક કાર્યકર કમલેશ પરમારને જાણ થતાં તેઓએ બે ભૂવાની વચ્ચે બેસીને અનોખી રીતે વિરોધ કર્યો છે.


ફતેગંજ પેટ્રોલપંપની સામેની બાજુ પર ભુવો પડતાં ત્યાંથી પસાર થતાં વાહનચાલકોમાં અકસ્માતની ભીતિ સર્જાઈ હતી. શનિવારે રાત્રીના સમયે એક કાર ફસાઇ જતાં તેને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવી હતી. કાર ફસાઇ તે સમયે ખબર પડી હતી કે, અહીં ભુવો પડયો છે. જેથી, રાત્રીના સમયે જ આડશ મૂકી દેવાઇ હતી, જેથી કોઇ ભારદારી વાહન કે અન્ય વાહન ફસાય નહિ. રવિવારના દિવસે પણ ભુવો પૂરવાની કામગીરી કરાઈ નહોતી. રવિવારની રજા હોવાથી પાલિકાના અધિકારીઓ પણ ફરક્યા નહતા. ફતેગંજ મેઇન રોડ પર ગરબા થાય છે, તે જગ્યા પર જ ભુવો પડ્યો હતો. આજે પણ અહીં બાજુમાં જ બીજો ભુવો પડ્યો છે.


સામાજિક કાર્યકર કમલેશ પરમારે જણાવ્યું હતું કે, વડોદરાના ફતેગંજ મેઇન રોડ પર વોર્ડ નંબર-3માં ગઈકાલે એક ભુવો પડ્યો હતો અને આજે બીજા દિવસે પણ બીજો ભૂવો પડ્યો છે. વગર વરસાદે ભુવો પડે એ વડોદરા શહેર માટે શરમજનક બાબત છે. ટૂંક સમય પહેલા જ આ રોડ બનાવવામાં આવ્યો હતો ત્યારે રોડની આ સ્થિતિ જોઈને નગરજનોના નાણાંનો વેડફાટ થઈ રહ્યો હોય એવુ લાગી રહ્યું છે. ભ્રષ્ટાચારીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ. આવા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવો જોઈએ અને જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ. વડાપ્રધાન મોદી ભ્રષ્ટાચાર મુક્ત ભારતની વાત કરતા હોય ત્યારે આવા લોકો તેમનું સાંભળવા તૈયાર નથી.


Share :

Leave a Comments