- પાલિકા તંત્ર પાઇપલાઇનની અધૂરી કામગીરી જલ્દી પૂરી કર્યા સિવાય છૂટકો નથી
- કામગીરી અધુરી હોવા છતાં કોન્ટ્રાક્ટરને 42 લાખ રૂપિયાનું બિલ ચૂકવી દેવાયું..!!
વડોદરામાં વિશ્વામિત્રી બ્રિજ નીચે વરસાદી ગટરની કામગીરીમાં વેઠ ઉતારી અધુરી છોડી દેવાના લીધે હવે કાશી વિશ્વનાથ તળાવનું પાણી ઉપર સુધી ભરાઈ જતા બહાર નીકળી જાય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. કોર્પોરેશનના તંત્ર દ્વારા પાઇપલાઇનની અધૂરી કામગીરી હવે જલ્દી પૂરી કરવી પડે તેવી છે અને તેના વિના છૂટકો નથી. આ માટે નવો કોન્ટ્રાક્ટર શોધીને કામ કરાવવા માંગણી કરવામાં આવી છે.
વડોદરા કોર્પોરેશનના વોર્ડ નં.13 ના કોંગ્રેસના સિનિયર કોર્પોરેટરના કહેવા મુજબ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે લાલબાગથી વિશ્વામિત્રી બ્રિજ સુધી વરસાદી ગટરની 2.25 કરોડના ખર્ચે કામગીરી કરવામાં આવી હતી. આ કામ પૂર્ણ થયા બાદ 1.35 કરોડના ખર્ચે વિશ્વામિત્રી પૂલ થી નદી તરફ પાણીનો નિકાલ કરવા કામ મંજૂર કરવામાં આવ્યું હતું. આ કામ કોન્ટ્રાક્ટરે 30 ટકા અધૂરું છોડી દેવાના કારણે આ પરિસ્થિતિ ઉભી થઈ છે. જો તળાવનું પાણી સતત વધતું રહેશે તો નજીકની આવેલી સોસાયટીઓમાં પણ ઘુસી જશે તેવો ભય તેમણે વ્યક્ત કર્યો છે. પાણીના નિકાલ માટે 48 ઈંચ ડાયામીટરની પાઇપલાઇન નાખવામાં આવી હતી. આ પાઇપલાઇનમાં હાલ 80 ટકા માટી ભરાઈ ગઈ છે. કામગીરી અધુરી છોડી દેવા બદલ કોન્ટ્રાક્ટરને નોટિસ કોર્પોરેશન દ્વારા આપવામાં આવી છે. લાલબાગ વિસ્તાર, કાશી વિશ્વનાથ, રાજસ્થંભ રાજરત્ન, એસઆરપી, કુંભારવાડા વગેરેમાં દર વર્ષે ચોમાસામાં ભરાતા પાણીના નિકાલ માટે વરસાદી ગટરની કામગીરી ગયા વર્ષે શરૂ કરવામાં આવી હતી. વિશ્વામિત્રી બ્રિજ નીચે પાઇપોની કામગીરી અધુરી હોવા છતાં પણ કોન્ટ્રાક્ટરને 42 લાખ રૂપિયાનું બિલ ચૂકવવામાં આવ્યું છે. રાજમહેલથી વિશ્વામિત્રી તરફના નેચરલ કાંસને બંધ કરી દેવામાં આવી છે. જેથી પાણીનો નિકાલ પણ થતો નથી. બાજુમાં આવેલા લાલબાગ તળાવમાં ગટરના પાણી ઠલવાઈ રહ્યા છે, અને તે પણ એક મોટી સમસ્યા છે.