- સોસાયટીમાં કોબ્રા સાપ આવ્યાની જાણ થતાં રહીશોએ એકત્ર થઈ સાપની શોધખોળ શરૂ કરી હતી, જો કે, સાપ મળ્યો નહોતો
વડોદરા-વાઘોડિયા રોડ પર અણખોલ ગામની કામધેનુ સોસાયટીમાં રાત્રિના સમયે રાઉન્ડ પર નિકળેલા સિક્યોરિટી ગાર્ડના પગમાં કોબ્રા સાપ આવી જતા તેનો જીવ માંડ માંડ બચ્યો હતો. આ સમગ્ર ઘટના સોસાયટીના CCTVમાં કેદ થઈ ગઈ હતી. જેમાં રસ્તા પરથી સાપ પસાર થતો દેખાય છે અને એકદમ નજીક આવી ગયા પછી સામે ચાલતા જતા બે સિક્યોરિટી ગાર્ડને સાપ દેખાતા બંને જીવ બચાવીને ભાગે છે.
ચોમાસાની સિઝન શરૂ થતાં જ વડોદરા શહેર અને આસપાસના વિસ્તારોમાં સરીસૃપ નીકળવાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે થોડા દિવસ પહેલા વડોદરા-વાઘોડિયા રોડ પર આવેલી કામધેનુ સોસાયટીમાં આવેલા કોબ્રા સાપનો વીડિયો વાઇરલ થયો છે. જેમાં બે સિક્યોરિટી ગાર્ડ રાઉન્ડમાં નિકા હતા. આ દરમિયાન અચાનક એક સિક્યોરિટી ગાર્ડના પગ સુધી કોબ્રા સાપ આવી ગયો હતો. જેને પગલે બંને સિક્યોરિટી ગાર્ડ જીવ બચાવીને ભાગ્યા હતા. ઉલ્લેખનીય છે કે, સોસાયટીમાં કોબ્રા સાપ આવી જવાની વાતને લઇને સોસાયટીના રહીશો એકત્ર થઈ ગયા હતા અને સાપની શોધખોળ શરૂ કરી હતી, જો કે, સાપ મળ્યો નહોતો.
સિક્યોરિટી ગાર્ડ રમણભાઇ દશરથભાઇ વણકરે જણાવ્યું હતું કે, અમે રાત્રે 2 વાગ્યે સોસાયટીમાં રાઉન્ડમાં નિકળ્યા હતા. અમે ચાલતા જઈ રહ્યા હતા. તે સમયે અચાનક જ મારા પગમાં સાપ આવી ગયો હતો. જેથી જમીન પર ડંડો મારતા તેને ફેણ ચડાવી હતી. જેથી અમે પાછળ ખસી ગયા હતા અને સાપ આગળ જવા લાગ્યો હતો. જેથી અમે બચી ગયા હતા.
ઉલ્લેખનિય છે કે, બે દિવસ પહેલા પાદરા તાલુકાના વણછરા ગામમાં રહેતી 20 વર્ષની ખુશ્બુ કનુભાઈ રબારીનું કોબ્રા સાપ કરડતા મોત થયું હતું. જેથી ગ્રામજનોએ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટને જાણ કરતા ટ્રસ્ટના કાર્યકરે 3 કલાકની ભારે જહેમત બાદ 3.5 ફૂટ લાંબા કોબ્રા સાપનું રેસ્ક્યૂ કરી પાદરા વન વિભાગે સોંપ્યો હતો.