- પાલિકા, પોલીસની જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમે કરવાની કામગીરી વોર્ડ ઓફિસરે કરી
શહેરને સ્વચ્છ બનાવવા માટે પાલિકાનું તંત્ર અવનવા પ્રયોગ કરી રહ્યું છે, છતાં સ્વચ્છ સર્વેક્ષણમાં શહેર 33મા ક્રમે ધકેલાયું છે. જોકે સ્વચ્છતા પ્રત્યે વોર્ડ 3ના ઓફિસરની કામગીરી પ્રસંશા પાત્ર બની છે. મંગલ પાંડે રોડથી ઘરે જમવા જઈ રહેલા વોર્ડ 6ના ઓફિસરે કચરો નાખીને જતા રિક્ષાચાલકને રોકી તેણે ઠાલવેલો કચરો પાછો ભરાવ્યો હતો અને દંડ પણ વસૂલ્યો હતો.
શહેર સાચા અર્થમાં સ્વચ્છ બને અને સાથે સ્વચ્છતા સર્વેક્ષણમાં પણ વડોદરા સફળતાની સીડી સર કરે તે માટે પાલિકાનું તંત્ર કરોડો રૂપિયા ખર્ચે છે અને અવનવા પ્રોજેક્ટ લાવે છે. જોકે અધિકારીઓની કામ કરવાની નીતિ અને નાગરિકોની ભાગીદારી ક્યાંક ઊણી ઊતરે છે. મંગળવારે વોર્ડ ઓફિસરે કરેલી કામગીરીથી અન્ય અધિકારીઓ અને જનતાએ બોધપાઠ લેવા જેવો છે. વોર્ડ 3ના ઓફિસર જીતેન્દ્ર બ્રહ્મભટ્ટ બપોરે મંગલપાંડે રોડ પરથી ઘરે જઈ રહ્યા હતા. તે સમયે એક રિક્ષાચાલક વિશ્વામિત્રીની કોતરોમાં રિક્ષામાંથી કચરો ઠાલવી જઈ રહ્યો હતો. આ સમયે જીતેન્દ્ર બ્રહ્મભટ્ટે ઊભા રહી વીડિયો બનાવ્યો હતો અને પછી રિક્ષાચાલકને રોકી તેને ઠાલવેલો કચરો રિક્ષામાં ભરાવડાવ્યો હતો. તદુપરાંત તેમના વોર્ડના કર્મચારીઓને બોલાવી દંડ પણ વસૂલ્યો હતો.
તત્કાલીન મ્યુનિ. કમિશનર અજય ભાદુએ શહેરમાં સ્વચ્છતા જળવાય અને જાહેરમાં કચરો ફેંકતાં તત્ત્વોને રોકીને કાર્યવાહી કરવામાં આવે તે માટે જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ બનાવી હતી. આ ટીમમાં પાલિકા અને પોલીસના સભ્યો હતા. તેઓ અલગ-અલગ વોર્ડમાં ફરી કચરાના સ્પોટ પર ગંદકી કરતા લોકો સામે કાર્યવાહી કરતા હતા. જોકે છેલ્લા ઘણા સમયથી આ કાર્યવાહી બંધ કરવામાં આવી છે. જો વોર્ડ 3ના ઓફિસરની જેમ તમામ સ્ટાફ કાર્યવાહી કરે તો જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમની જરૂરિયાત ઊભી ન થાય.