- રેલવે પોલીસે ગાંજો તેમજ અન્ય મત્તા મળી 52900નો મુદ્દામાલ જપ્ત કર્યો
વડોદરા રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર-6 પર રેલવે પોલીસનો સ્ટાફ વોચમાં હતો. દરમિયાન પુરી-ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેન આવતા ટ્રેનના એન્જિનથી પ્રથમ જનરલ કોચમાં તપાસ કરતાં પાછળના બંને શૌચાલયની વચ્ચે એક કાપડનો થેલો પડેલો જણાયો હતો. આ થેલામાં શું છે તેની તપાસ માટે ડોગને સુંઘાડતા ડોગે અંદર માદક પદાર્થ હોવાનો સંકેત આપ્યો હતો.
આ થેલા અંગે પોલીસે કોચમાં હાજર મુસાફરોની પૂછપરછ કરતાં કોઇએ પોતાનો થેલો નહી હોવાનું જણાવ્યું હતું. બાદમાં પોલીસે થેલો ખોલી તપાસ કરતાં અંદરથી ગ્રીન કલરની સાડી, સ્ટીલના બે ડબ્બા મળ્યા હતાં. એક ડબ્બામાં અથાણુ અને તેની નીચે સેલોટેપ લગાડેલ પેકેટ તેમજ બીજા ડબ્બામાં રસગુલ્લા અને તેની નીચે સેલોટેપ લગાડેલ પેકેટ મળ્યું હતું.
રેલવે પોલીસે કુલ રૂ.52400નો ગાંજો તેમજ અન્ય મત્તા મળી કુલ રૂ.52900નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. કોઇ શખ્સ પોલીસને જોઇ ગાંજાનો થેલો બિનવારસી ટ્રેનમાં છોડીને ફરાર થઇ ગયો હોવાનું જણાતા વડોદરા રેલવે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.