- કપડાનું વેચાણ કરનાર મેનેજરની અટકાયત, સેલનો માલિક વોન્ટેડ જાહેર
વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં ચાલતા કપડાના સેલમાં રેડ કરીને બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ કપડાનું વેચાણ કરનાર મેનેજરની અટકાયત કરાઈ હતી. દુકાનમાંથી જીન્સ પેન્ટ અને શર્ટ મળી 2.32 લાખનો મુદ્દામાલ સાથે મેનેજરની અટકાયત કરી હતી. જ્યારે સેલના માલિકને વોન્ટેડ જાહેર કર્યો હતો.
વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં લોભિયા વેપારીઓ દ્વારા બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ માલનું વેચાણ કરી નફો રડી લેતા હોય છે. જેના કારણે સ્ટાન્ડર્ડ કંપનીને શાખને નુકસાન પહોંચતું હોય છે. જેથી આવી કંપનીઓ દ્વારા અવારનવાર કપડાનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં સરપ્રાઈઝ વિઝિટ કરી ચેકિંગ કરાતું હોય છે. આ દરમિયાન 21 જુલાઈના રોજ અકોટા રોડ વિસ્તારમાં આવેલી વિવાન્તા હોટલના ગ્રાઉન્ડ ફ્લોરમાં ગોલ્ડ ફોકસ ક્રિએશન નામના સેલમાં બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ કપડાનું વેચાણ કરતો હોવાની બાતમી કંપનીને મળી હતી. જેથી અકોટા ખાતેના સેલમાં રેડ કરી હતી. ત્યારે દુકાનમાંથી અલગ અલગ બ્રાન્ડેડ કંપનીના શર્ટ અને જીન્સ પેન્ટ મળી 2.32 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અકોટા પોલીસે સેલ ચલાવનાર મેનેજર વિકાસ કેસરદેવ શર્માની અટકાયત કરી કરી, તેના માલિક અંકિત રાજેન્દ્ર અગ્રવાલને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરાયા છે.