- પર્સમાં સોનાનો હાર, સોનાની ચાર વીંટી તેમજ અન્ય કીંમતી સામાન મળી કુલ 2.33 લાખની મત્તા ચોરાઇ, મહેન્દ્રસિંહ ગોહિલે વરણામા પોલીસમાં ફરિયાદ નોંધાવી
વડોદરાની આસપાસ આવેલા પાર્ટી પ્લોટોની બહાર પાર્ક કરેલ કારના કાચ તોડી અંદરથી ક્ીંમતી સામાનની ઉઠાંતરી કરતી ટોળકી ફરી સક્રિય થઈ ગઈ છે. ખટંબા ગામ પાસેના પાર્ટી પ્લોટ બહાર પાર્ક કરેલી કારમાંથી સોનાના દાગીના સહિતની મત્તા મુકેલ પર્સની ચોરી થઈ હતી.
આણંદ જિલ્લાના તારાપુર તાલુકામાં પદરા ગામમાં રહેતા મહેન્દ્રસિંહ અનુભા ગોહિલના સંબંધી પ્રદીપ બારોટની પુત્રીના લગ્ન હોવાથી તેઓ તેમની પત્ની અને બે પુત્રો સાથે કાર લઈને વડોદરા નજીક ખટંબા ગામની સીમમાં રુદ્રાક્ષ પાર્ટી પ્લોટમાં આવ્યા હતા. પાર્ટી પ્લોટની બહાર પાર્કિંગમાં કાર પાર્ક કરી રાત્રે તેઓ અંદર ગયા હતા અને લગ્ન પ્રસંગમાં હાજરી આપીને આશરે દોઢ કલાક બાદ તેઓ પરત ફર્યા ત્યારે કારની ડ્રાઇવર સીટની પાછળનો કાચ તૂટેલો જણાયો હતો અને સીટ પર મુકેલ પત્નીનું લીલા કલરનું પર્સ ગાયબ હતું.
આ પર્સમાં સોનાનો હાર, સોનાની ચાર વીંટી તેમજ અન્ય કીંમતી સામાન મળી કુલ રૂપિયા 2.33 લાખની મત્તા હતી. આ અંગે મહેન્દ્રસિંહ ગોહિલે વરણામા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.