ગેંડા સર્કલ પાસે મોડી રાત્રે પિકઅપ બોલેરો રેસ્ટોરન્ટના કાચ તોડી અંદર ઘૂસી ગઇ, સંચાલકનો આબાદ બચાવ

સારાભાઈ એટલાન્સીસ કે-ટેનમાં રેસ્ટોરન્ટમાં પીકઅપ બોલેરોએ અકસ્માત સર્જ્યો હતો

MailVadodara.com - A-pickup-bolero-broke-the-glass-of-the-restaurant-late-at-night-near-Genda-Circle-and-entered-the-restaurant-the-manager-was-rescued

- બોલેરોચાલકની બેદરકારીના કારણે રેસ્ટોરન્ટ માલિકને ભારે નુકસાન પહોંચ્યું, એક્ટિવાનો કચ્ચરઘાણ

- સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા


વડોદરા શહેરના ગોરવા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા ગેંડા સર્કલ પાસે સારાભાઈ એટલાન્સીસ કે-ટેનમાં મોડીરાત્રે એક રેસ્ટોરન્ટમાં પીકઅપ બોલેરોએ અકસ્માત સર્જ્યો હતો. સદનસીબે આ અકસ્માતની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ બોલેરોચાલકની બેદરકારીના કારણે રેસ્ટોરન્ટ માલિકને ભારે નુકસાન પહોંચ્યું છે. આ મામલે પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરા શહેરના ગોરવા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા ગેંડા સર્કલ પાસે સારાભાઈ એટલાન્ટિસ કે-ટેન કોમર્શિયલ કોમ્પલેક્ષના છેવાડે લિટલ ભારત રેસ્ટોરેન્ટ આવેલી છે. ગત મોડીરાત્રે કુરિયર સર્વિસ માટે કામ કરતું પીકઅપ બોલેરો ગાડીના ડ્રાઇવર અચાનક વાહન ચાલુ કરી બેદરકારીપૂર્વક સામે આવેલી ખાનગી રેસ્ટોરન્ટમાં કાચ તોડી ઘૂસી ગયું હતું.  આ ઘટના મોડીરાત્રે થઈ હોવાથી સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. આ ઘટનામાં હોટલ સંચાલક બોલેરો ગાડીની અડફેટમાં આવતા આવતા બચ્યા હતાં.


આ સમગ્ર ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને ગોરવા પોલીસને જાણ કરવામાં આવી હતી. આ બનાવને લઇ ગોરવા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બોલેરોચાલક સહિત એક શખસને ઝડપી લીધો હતો. આ સમગ્ર મામલે રેસ્ટોરન્ટ સંચાલકના આક્ષેપો હતા કે, બે-ત્રણ દિવસ પહેલા મેં તેને જાણ કરી હતી, કે ગાડી ન ચલાવતા આવડતું હોય તો ન ચલાવીશ, કોઇ દિવસ હાદસો થશે. જે જગ્યાએથી પીકઅપ ટેમ્પો ઘૂસ્યો છે, અને ત્યાં જ બેસતા હોઇએ છીએ. આજે સદનસીબે બીજી બાજુ બેસતા બચી ગયા છીએ. અમારામાંથી કોઇને કંઇ થઇ ગયું હોત તો જવાબદારદારી કોણ લેત? બંનેમાંથી એક જણાને પાકી ગાડી આવડે છે. આ વાહનચાલક નશાની હાલતમાં છે અને આ બાબતે અગાઉ પણ તેને ધ્યાન દોર્યું હતું. ટ્રાન્સપોર્ટની ગાડી છે. સંચાલકના માતા જણાવે છે કે, મારો એકનો એક પુત્ર છે. તેને કંઇ થઇ જાત તો જવાબદાર કોણ!


બનાવ અંગે ચાલક સતીષ પાંડે જણાવે છે કે, મેં ગાડી ચાલુ કરી હતી, ભુલથી ગીયર પડી જતા હાદસો થયો છે. વડોદરાથી અમે ગાડી અમદાવાદ લઇ જઇએ છીએ.

આ અકસ્માત બાદ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. આ મામલે ગોરવા પોલીસ મથકના પી.આઇ કે.એન.લાઠીયા સાથે ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે, આ બનાવ મોડીરાત્રે સર્જાયો હતો. આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી અને વાહનચાલક ઊંઘમાં હોવાથી એક્સીલેટર પર પગ જતા અચાનક વાહન ચાલવા લાગ્યું હતું અને આ ઘટના સર્જાઇ હતી. આ બનાવમાં બોલેરોચાલક અને રેસ્ટોરન્ટ માલિક વચ્ચે સમાધાન થયું છે, જેથી કોઈ ફરિયાદ નોંધાઇ નથી. બોલેરોચાલક નશાની હાલતમાં હોવાના આક્ષેપો ખોટા છે.

Share :

Leave a Comments