- ગણેશ વિસર્જન કે અન્ય તહેવારોના પૂજાપાઠ માટે અગવડ ન પડે તે માટે ગોત્રી, સેવાસી કે ભાયલી વિસ્તારમાં કુત્રિમ તળાવ બનાવી આપવાની માંગ
આગામી આવી રહેલાં ગણેશોત્સવમાં શ્રીજીના વિસર્જન માટે પાલિકા દ્વારા ચારે ઝોનમાં કુત્રિમ તળાવો બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના શનિદેવ ફાઉન્ડેશન દ્વારા ગોત્રી, સેવાસી અથવા ભાયલી વિસ્તારમાં કુત્રિમ તળાવ બનાવવાની માંગ સાથે કોર્પોરેશનના મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના ચેરમેનને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
શનિદેવ ફાઉન્ડેશનના ઉપપ્રમુખે આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, વડોદરા સહિત દેશભરમાં આગામી સમયમાં ગણેશ વિસર્જન, નવરાત્રી તેમજ ઉત્તર ભારતીયોનો સૌથી મોટો અને મહત્વનો તહેવાર છઠ્ઠ પૂજા આવી રહ્યો છે. દરેક હિન્દુ ભાઈઓ આ તહેવારોને ધામધુમથી તેમજ શ્રદ્ધાપૂર્વક ઉજવે છે. ત્યારે ગોત્રી, સેવાસી, ભાયલી તથા આસપાસમાં રહેતા ઘણાં ભાવિ ભક્તોને ગણેશ વિસર્જન માટે કે અન્ય હિન્દુ તહેવારોના પૂજાપાઠ માટે ઘણી અગવડ પડતી હોય છે. કેટલીક વાર આસ્થા પણ દુભાતી હોય છે, તેમજ તંત્ર અને ભક્તો વચ્ચે ઘર્ષણની સ્થિતિ પણ ઉદભવતી હોય છે. જેને લઇ ગોત્રી, સેવાસી કે ભાયલી વિસ્તારમાં કોઈપણ જગ્યાએ કુત્રિમ તળાવ બનાવી આપવાની માંગણી સાથે કોર્પોરેશનમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન, મ્યુનિસિપલ કમિશનર, અકોટા ધારાસભ્યને શનિદેવ ફાઉન્ડેશન, ગણેશ મંડળો તેમજ હિન્દુ એકતા સમિતિ ગોત્રીના આગેવાનો દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
તેમણે વધુમાં જણાવ્યું છે કે, કુત્રિમ તળાવ બનવાથી ભક્તો અને નાગરિકોને નવલખી કુત્રિમ તળાવ કે ગોરવા દશામા તળાવ સુધી જવું નહીં પડે. તંત્ર જો કુત્રિમ તળાવ બનાવી આપશે તો ભક્તો, નાગરિકો તેમજ તંત્રને કામગીરીમાં ખુબ સરળતા રહેશે એવી નાગરિકોએ લાગણી પણ વ્યક્ત કરી छे.
ઉપપ્રમુખ ભાવિનભાઈ સોનીએ કહ્યું કે, અમારા વિસ્તારમાં ગણેશ વિસર્જન માટે નાગરિકોને, ગણેશ મંડળોને ખુબ મુશ્કેલી પડે છે. ગણેશજીના વિસર્જન માટે એક જ સ્થળે તમામ મંડળો ભેગા થતા હોવાથી ટ્રાફિક પણ ખુબ થાય છે, મુશ્કેલી પણ થાય છે. ત્યારે ગોત્રી, સેવાસી કે ભાયલી વિસ્તારમાં કુત્રિમ તળાવ બનાવી આપવામાં આવે તો ખુબ સારી સુવિધા ઉભી થઈ શકે છે.