- ગોરવા પોલીસે ઉંડેરાની દત્ત વિહાર સોસાયટીમાં રહેતા અને નાસતા ફરતા આરોપી હિમાંશુ પટેલને ઝડપી પાડયો, અગાઉ ત્રણ આરોપીઓ ઝડપાયા હતા
શહેરના ગોત્રી મેડિકલ કોલેજમાં એડમિશન અપાવવાના નામે કચ્છમાં લેબરવર્ક કરતા વાલીને વિશ્વાસમાં લઇ ઠગ ટોળકીએ રૂપિયા ૬૫ લાખ પડાવી લીધા હોવાની ફરિયાદ ગોરવા પોલીસ સ્ટેશનમાં ઓગસ્ટ-૨૦૨૩ માં નોંધાઇ હતી. આ ગુનામાં ડોક્ટર તરીકેની ઓળખ આપનાર આરોપીને ગોરવા પોલીસે ઝડપી પાડયો છે.
ગાંધીધામ ખાતે મંગલસ્મૃતિ ટેનામેન્ટમાં રહેતા રમેશભાઇ મકવાણાએ ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, હું અમદાવાદ ગયો ત્યારે સરકારી કામ માટે આવેલા નિરવ સોની સાથે મારે પરિચય થયો હતો. નિરવે મારા પુત્રને ગોત્રી મેડિકલ કોલેજમાં એડમિશન આપવા માટે ખાત્રી આપી હતી. ત્યારબાદ ઓક્ટોબર-૨૦૨૨માં મને અને મારા પુત્રને ગોત્રી મેડિકલ કોલેજ ખાતે બોલાવ્યા હતા. ગેટ પર અમે નિરવને મળ્યા ત્યારે તેણે શ્રેય દેસાઇ અને હિમાંશુ પટેલની ગોત્રીના ડોક્ટર તરીકે ઓળખાણ કરાવી હતી. શ્રેયના પિતા પ્રિન્સિપાલ હોવાથી તેની ઓળખાણ સારી છે તેમ કહી ૬૫ લાખમાં એડમિશન નક્કી કર્યુ હતું. જે પૈકી રૂપિયા ૧૦ લાખ મેં નિરવના માતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ મેં મિત્રો અને સબંધીઓ પાસે રૂપિયા ભેગા કરી તા.૨૩-૧૨-૨૨ના રોજ બાકીના રૂપિયા ૫૫ લાખ ચૂકવ્યા હતા. પરંતુ ત્યારબાદ તેઓ મને વારંવાર ધક્કા ખવડાવતા હતા અને કોઇને કોઇ બહાનું બતાવતા હતા. આ બાબતે શ્રેયના પિતા ગોવિંદભાઇ સાથે પણ મીટિંગ કરી હતી. પરંતુ તેમણે પણ ગોળગોળ જવાબ આપ્યા હતા અને રૂપિયા પણ પરત આપતા નહતા. ગોરવા પોલીસે આ અંગે નિરવ સોની, શ્રેય દેસાઇ, ગોવિંદ દેસાઇ અને હિમાંશુ પટેલ સામે ગુનો નોંધ્યો હતો. ગોરવા પોલીસ સ્ટેશનના પી.આઇ. કે.એન.લાઠીયાએ આ ગુનામાં નાસતા ફરતા આરોપી હિમાંશુ પુજાભાઇ પટેલ (રહે. દત્ત વિહાર સોસાયટી, ઉંડેરા)ને ઝડપી પાડયો છે.