- SOG પોલીસે આરોપી દિનેશ પોપટની ધરપકડ કરી મકરપુરા પોલીસને સોંપ્યો
વડોદરા શહેરમાં કોરોનાકાળમાં મેડિકલ ટેસ્ટ કર્યા વગર લેબોરેટરીના નામથી કોવિડ-19ના બનાવટી RT-PCR રીપોર્ટ બનાવવાના ગુનામાં 4 વર્ષથી નાસતા-ફરતા આરોપી દિનેશ પોપટની વડોદરા SOG પોલીસે ધરપકડ કરી છે અને આરોપીને મકરપુરા પોલીસને સોંપ્યો છે અને મકરપુરા પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
વિવિધ ગુનાઓમાં નાસતા-ફરતા અને વોન્ટેડ આરોપીને પકડી પાડવાની કાર્યવાહી દરમિયાન વડોદરા SOG પોલીસને બાતમી મળી હતી કે, મકરપુરા પોલીસ સ્ટેશનના છેતરપીંડીના કેસમાં નાસતો ફરતો આરોપી દિનેશ તોલારામ પોપટ (રહે. અર્થ બંગ્લોઝ, અક્ષરચોક, ઓપી રોડ, વડોદરા) હાલમાં તેની યલ્લો લાઇન ઓફિસ ખાતે હાજર છે. આ બાતમી આધારે SOG પોલીસે તેની ઓફિસ ખાતે જઇને તપાસ કરતા આરોપી મળી આવ્યો હતો અને ગુના સંબધિત પૂછપરછ કરીને ધરપકડ કરી હતી અને વધુ તપાસ માટે આરોપીને મકરપુરા પોલીસને સોંપ્યો છે.
કોરોનાના રિપોર્ટ મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં આરોપી કૃણાલ હરેશભાઇ પટેલ એરોકેબ ટ્રાવેલ્સ નામથી ઓનલાઇન એજન્સી ચલાવી હતી અને જે એજન્સીમાં અલગ-અલગ રાજ્યોના ટ્રાવેલીંગ બુકીંગ કરાવતા ગ્રાહકોના પેથોકેર પેથોલોજી લેબોરેટરીના નામથી બનાવટી ખોટા RT-PCR રીપોર્ટ બનાવી આપતા હતા. પોતના આર્થિક ફાયદા માટે કોઇપણ પ્રકારના સેમ્પલ લીધા વગર કે મેડિકલ ટેસ્ટ કર્યા વગર કોઇ અધિકૃત લેબ ધરાવતા નહી હોવા છતા ઇન્ટરનેટના માધ્યમથી ગ્રાહકોના બનાવટી કોરોના પોઝીટીવ તેમજ નેગેટીવ રીપોર્ટ બનાવતા હતા. આ પહેલા ગઇકાલે વડોદરા SOG પોલીસે આરોપી અખિલેશ ગીરીરાજસિંહ પરમારની માણેજા વિસ્તારમાં આવેલી સુરજ પાર્કની બાજુમાં લક્ષ્મીનારાયણ સોસાયટીના ગેટ પાસેથી ધરપકડ કરી હતી અને વધુ તપાસ માટે આરોપીને મકરપુરા પોલીસને સોંપ્યો હતો.