- કાર ભાડાના 36 લાખ અને બે કાર પરત ન આપતા ફરિયાદ નોંધાવી
વડોદરા સહીત સમગ્ર રાજ્યમાં કાર ભાડે લઈ પછી અન્ય વ્યકિતને ગીરવે આપી મૂળ માલિકને ભાડુ કે કાર પરત ન કરી છેતરપિંડી આચરવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. ત્યારે વધુ એક ફરિયાદ ડીસીબી પોલીસ મથકમાં નોંધાઇ છે. જેમાં ભાવનગરના વ્યક્તિ સાથે રૂપિયા 59 લાખની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવી છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે મૂળ ભાવનગરના અને કાર ભાડે આપવાનો વ્યવસાય કરતાં જીગ્નેશ ભુપતભાઈ ચાવડાએ અગાઉ સાગરભાઈ ડાંગર (રહે. નેસડા તા. શીહોર જિ. ભાવનગર) સાથે ઈગલ કાર નામથી વાઘોડિયાના આમોદર ખાતે પ્રાઈમ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ગાડી ભાડે આપવાનો ધંધો કરતા હતા. ડીસીબી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જીગ્નેશભાઇએ જણાવ્યા અનુસાર, હું કાર ભાડે આપવાનો ધંધો કરૂ છું, જેથી વડોદરામાં કાર ભાડે આપવાનો ધંધો કરતા હોય તેવા ઘણા માણસોને ઓળખું છું. તે પૈકી વડોદરાના હાથીખાના ખાતે રહેતા ઐયાઝ ઇકબાલ પરમાર પણ ગાડી ભાડે આપવાનો ધંધો કરતા હતા. મારે અને મારા ભાગીદાર સાગરને તેમની સાથે ધંધાકીય ઓળખાણ થઇ હતી. બાદમાં એકાદ વર્ષ પહેલાં ઐયાઝ પરમારે મકરપુરા ડેરી ખાતે ભોજ ગામના વસીમ નોબારાને મળી તેઓનો પરિચય કરાવ્યો હતો. તે વખતે વસીમ નોબારાએ પોતે કાર લે-વેચ, ગીરવી આપ-લે તથા ભાડે આપવાનો ધંધો કરતો હોવાની વિગતો જણાવી અને હાલમાં અમદાવાદ-ધોલેરા એરપોર્ટનું કામ ચાલુ છે. ત્યાં તેણે ઘણી ગાડીઓ ભાડે આપી છે અને બીજી ગાડીઓ પણ આપવાની છે, તેમ જણાવી સાગરને તેનો મોબાઇલ નંબર આપી ગાડી ભાડે આપવી હોય તો વાત કરવા કહ્યું હતું.
બાદમાં મેં અને મિત્રએ અંદરો અંદર ચર્ચા કરી અમે વસીમ નોબારાને એક મહિના માટે ગાડીઓ ભાડે આપવાનું શરૂ કર્યુ હતું. શરુઆતમાં તે આ મારી ગાડીઓનું રેગ્યુલર ભાડુ આપી દેતો હતો જેથી તેના પર વિશ્વાસ થતા અમે તેની સાથે ધંધો ચાલુ રાખ્યો હતો. વસીમને જ્યારે પણ અમારી પાસેથી ગાડી જોઇતી હોય તો અમને ગાડી લઇને વાઘોડિયા ચોકડી અથવા તાંદલજા બોલાવતો હતો. અને ત્યાંથી ગાડી લઈ જતો હતો. ત્યાર બાદ વર્ષ 2023માં મારી માલિકીની હ્યુન્ડાઈ વર્ના કાર સાથે અન્ય મળી કુલ ચાર કાર અલગ અલગ ભાડુ નક્કી કરી ભાડે આપી હતી. આ વસીમ સ્કોર્પીઓ ગાડી પરત આપી ગયો હતો જેનું અઢી માસનું ભાડુ બાકી હતું. ત્યાર બાદ થોડા જ દિવસમાં વસીમ નોબારા વડોદરા શહેર ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં ચીટિંગના ગુનામાં પકડાઇ ગયો હતો. ત્યાર બાદ એક મહિના પછી મારા સાઢુભાઈની ગાડી એક વ્યક્તિએ રાજકોટ ખાતે લગભગ સપ્ટેમ્બર 2023માં પરત આપી અને જણાવ્યું કે તેણે ગાડી વસીમ પાસેથી ગીરવે રાખી હતી અને તે તેની રીતે વસીમ પાસેથી રૂપિયા લઈ લેશે તેમ જણાવી સાગરને ગાડી પરત આપી હતી. તે ભાઈનું નામ સરનામું મને ખબર નથી કે તેણે કેટલા રૂપિયામાં ગીરવે રાખી તેની મને ખબર નથી.
આ બાદ વસીમને ભાવનગર જેલમાં પાસા થયા હતા અને તે જેલમાં હતો એટલે અમારી ત્રણેય ગાડીઓના ભાડા મળતા ન હતા. બાદમાં તે જેલમાંથી છૂટયા બાદ તેની સાથે ભાડાના બાકી નીકળતા નાણા અને કાર બાબતે કરાર કરવામાં આવ્યો હતો. જેમાં 36 લાખ રૂપિયા ભાડાના બાકી નીકળતા હતા. બાદમાં તેઓએ વધુ કાર આપી હતી. જેના તમામના ભાડા અને બારોબાર કારો અન્ય વ્યકિતને ગીરવે આપી દેતા હતા. બાદમાં વડોદરા વાઘોડિયા ચોકડી પર અમારે મુલાકાત થઇ ત્યારે તે કહેતો હતો કે, હાલમાં વસીમ યુસુફભાઈ નોભારા (રહે. ભોજ ગામ, તા. પાદરા, જિ. વડોદરા) અમારી પાસેથી કાર ભાડેથી મેળવી ગાડીનું રેગ્યુલર ભાડુ ચુકવશે તેવી પાકો ભરોસો આપી શરુઆતમાં ગાડીઓના ભાડાઓ આપી વિશ્વાસ કેળવી મને ગાડીના ભાડાના રૂપિયા 36 લાખ, સાથે કારના 8 લાખ, અન્ય ચાર કાર મળી તેનાં 15 લાખ પરત ન કરી છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાઇ છે.