- પોલીસે નવસારીના ડ્રગ્સ સપ્લાયર કપીલને વોન્ટેડ જાહેર કર્યો
વડોદરામાં ડ્રગ્સની હેરાફેરીનું વધુ એક નેટવર્ક પકડાયું છે. શહેરના નાગરવાડા રોડ પરથી એસઓજી પોલીસે રૂપિયા 7 લાખની કિંમતના 70 ગ્રામ મેફેડ્રોન (MD) ડ્રગ્સ સાથે એક આરોપી ઝડપી પાડ્યો છે અને એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે. આ મામલે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
વડોદરા એસઓજી પોલીસને બાતમી મળી હતી કે, વડોદરા શહેરના નાગરવાડા રોડ પર વોર્ડ નં-8ની ઓફિસ પાછળ આવેલા ગીતાંજલી એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ડ્રગ્સ પેડલર ડ્રગ્સનું વેચાણ કરે છે, જેના આધારે એસઓજી પોલીસે રેડ પાડતા શાહરૂખખાન સરવરખાન પઠાણ (ઉ.32, રહે.એ-101, હમીદભાઇએ ચાવીવાલાના મકાનમાં ભાડેથી, હનિન હેરીટેઝ, રીંગ રોડ, નવસારી, મૂળ રહે. ડી-ટી-11 ગીતાંજલી એપાર્ટમેન્ટ, નાગરવાડા રોડ, વડોદરા)ને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી 7,00,600 રૂપિયાની કિંમતનો 70 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો હતો.
પોલીસે મેફેડ્રોન ડ્રગ્સ, વજનકાંટો અને 1210 રોકડ રકમ, મોબાઇલ ફોન, આધારકાર્ડ મળીને કુલ 7,07,201 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. આ ઉપરાંત પોલીસે ડ્રગ્સ સપ્લાયર કપીલ (રહે. જુના થાણા રોડ, લુંશી કુઇ રોડ, નવસારી)ને વોન્ટેડ જાહેર કર્યો હતો અને તેની શોધખોળ શરૂ કરી છે. વડોદરા એસઓજી પોલીસે આ મામલે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને આ મામલે વધુ તપાસ કારેલીબાગ પોલીસને સોંપી છે.