- આ બિલ્ડિંગને 1 જાન્યુઆરી 2024થી સિલ કરાયું હતું, આ બાબતે નોટિસ અને ઇમારત ઉતારવાનું સેટલમેન્ટ ચાલી જ રહ્યું હતું, તે દરમિયાન આ ઘટના ઘટી
વડોદરા શહેરના દાંડિયા બજારમાં આવેલી સરકારી ટેક્નિકલ હાઈસ્કૂલનો એક ભાગ ગત મોડી રાત્રે ધરાશાયી થયો હતો. આ જર્જરિત ઇમારતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. આ ઇમારત રાજ્ય સરકારના ડાયરેક્ટર ઓફ ટેક્નિકલ એજ્યુકેશન અંતર્ગત સરકારી ટેક્નિકલ સ્કૂલ આવે છે. જે રાત્રે એક ભાગ ધરાશાયી થતા તાત્કાલિક ડિમોલિશન ટીમ દ્વારા હાલમાં બિલ્ડિંગ ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
શહેરના દાંડિયા બજાર ચાર રસ્તા પાસે આવેલી આ સરકારી ટેક્નિકલ સ્કૂલની ઇમારતનું નિર્માણ વર્ષ 1960માં કરવામાં આવ્યું હતું. ગત મોડી રાત્રે અચાનક ઇમારતનો જર્જરિત ભાગ ધરાશાયી થયો હતો. જો કે રાત્રે બનેલી હોવાથી આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ જર્જરિત ઇમારતને ડિમોલિશન શાખા દ્વારા યુદ્ધના ધોરણે હિટાચી મશીન દ્વારા ઉતારી પાડવાની કામગીરી હાથ ધરાઈ છે. આ બિલ્ડિંગનો જર્જરિત ભાગ તંત્રએ 3 મહિના પહેલા જ ઉપયોગ માટે બંધ કર્યો હતો. વિદ્યાર્થીઓને બિલ્ડિંગમાં સુરક્ષિત સ્થળે ભણાવવામાં આવતા હતા.
આ અંગે ડિમોલિશન કરનાર અરવિંદ ખોખરે જણાવ્યું હતું કે, રાત્રિના બે થી અઢી વાગ્યાની આસપાસ જર્જરિત થયું હતું. સવારે અમને માહિતી મળતાની સાથે જ ડિમોલિશન ટીમ સાથે પહોંચી ગયા છીએ. અહીંના આચાર્યએ કેટલોક સામાન સેટલમેન્ટ કર્યો હતો અને બાદમાં ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી છે.
વધુમાં કહ્યું કે, આ બિલ્ડિંગ 1 જાન્યુઆરી 2024થી સિલ મારવામાં આવ્યું હતું. આ બાબતે નોટિસ અને ઇમારત ઉતારવાનું સેટલમેન્ટ ચાલી જ રહ્યું હતું, તે દરમિયાન આ ઘટના ઘટી છે. આ બિલ્ડિંગની પાછળના ભાગમાં ગ્રાઉન્ડ આવેલું છે. હાલમાં ડિમોલિશન કામગીરી ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે, આ જર્જરિત ઇમારત એકાદ મહિના પહેલા સિલ કરેલી હતી. ત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે, જો આ ઈમારતમાં વિદ્યાર્થીઓને વધુ અભ્યાસ કરાવ્યો હોત અને આ ઘટના બની હોય તો મોટી જાનહાનિ થઈ હોત. આજે આવી શહેરમાં 1000 જેટલી ઇમારતો જર્જરિત છે. છતાં તેનું ડિમોલિશન કરવામાં આવતું નથી. માત્ર તંત્ર નોટિસ પાઠવે છે. આજ રીતે ચાલતું રહેશે તો ફરી મોટી દુર્ઘટના સર્જાય તો કોઈ નવાઈની વાત નથી.