- રસ્તા પર ફસાઈ ગયેલા ડમ્પરના કારણે વાહન ચાલકો પરેશાન થયા
વડોદરા કોર્પોરેશનની રેઢિયાળ કામગીરીના કારણે કોર્પોરેશનનું જ એક ડમ્પર શહેરના વાડી વિસ્તારમાં ફસાઈ ગયુ હતુ અને તેના કારણે આ વિસ્તારમાં વાહનોની અવર જવરમાં પણ મુશ્કેલી પડી હતી.
મળતી વિગતો અનુસાર શહેરના વાડી, ભાટવાડા વિસ્તારમાં રસ્તા પર પડેલા ખાડા પૂરવા માટે ગ્રીટ કપચી પાથરવાની કામગીરી ચાલી રહી છે. આ માટે આજે સવારે ગ્રીટ કપચી ભરેલુ ડમ્પર ભાટવાડા વિસ્તારમાં પહોંચ્યુ હતુ. જોકે અગાઉના રોડ પરના ખાડામાં માત્ર માટી પૂરાણ કરીને ઉપર ડામર પાથરી દેવાયો હોવાથી વજનદાર ડમ્પર તેમાં ઉતરી ગયુ હતુ અને એક તરફ નમી પડયું હતું. ડમ્પરના પાછળના પૈડા આ ખાડામાં અડધે સુધી ઉતરી ગયા હતા અને ડમ્પર જાતે બહાર નીકળી શકે તેવી કોઈ સ્થિતિ નહોતી. જેના પગલે જેસીબી બોલાવવામાં આવ્યુ હતુ અને ડમ્પરને બહાર કાઢવામાં આવ્યુ હતુ. ત્યાં સુધી આ વિસ્તારમાં વાહન ચાલકો રસ્તા પર ફસાઈ ગયેલા ડમ્પરના કારણે હેરાન પરેશાન થયા હતા. કોર્પોરેશન દ્વારા બનાવાયેલા રસ્તાની નબળી ગુણવત્તાની ફરિયાદો પહેલા પણ ઉઠતી રહી છે. એક જ વરસાદમાં રોડ ધોવાઈ જતા હોય છે અને પછી રસ્તા બનાવવાની કામગીરી પણ યોગ્ય રીતે થતી નથી. જેનો એક નમૂનો આજે જોવા મળ્યો હતો.