બામણ ગામ નજીક મોટર સાઇકલ સવાર દંપતિને ટ્રેલરે ટક્કર મારતા ફંગોળાયું,પત્નીનું કરૂણ મોત

આલમગીર ગામે રહેતા દિનેશભાઇ સલાટ પત્ની સાથે સાસરીમાં જવા નીકળ્યા હતા

MailVadodara.com - A-motorcycle-riding-couple-collided-with-a-trailer-near-Baman-village-the-wife-died-tragically

- રોડ ઉપર ફંગોળાયેલા પતિ ઉભા થઇ પત્ની પાસે આવીને જોતા પત્નીનું મોત નીપજ્યું હતું, બનાવને પગલે લોકોના ટોળાં એકઠાં થઇ ગયા હતા

વડોદરા નજીક કરજણ નેશનલ હાઇવે-48 ઉપર બામણ ગામ પાસે મોટર સાઇકલ સવાર દંપતિને ટ્રેલરે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં પતિની નજર સામે પત્નીનું સ્થળ પર કરુણ મોત નીપજ્યું હતું. બનાવને પગલે કરજણ પોલીસ સ્થળ પર દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરા નજીક આવેલા આલમગીર ગામમાં અલકાપુરી ફળિયામાં રહેતા દિનેશભાઇ રાયસીંગભાઇ સલાટ (ઉં.વ.48) અને તેમની પત્ની અનુબહેન (ઉં.વ.45) મોટર સાઇકલ ઉપર કરજણ તાલુકાના અણસ્તુ ગામમાં સાસરીમાં જવા માટે નીકળ્યા હતા.આ દરમિયાન બામણ ગામ પાસે પુરપાટ પસાર થઇ રહેલા ટ્રેલરે મોટર સાઇકલ પર સવાર દંપતિને અડફેટે લેતા દંપતિ રોડ ઉપર ફંગોળાઇ ગયા હતા. જેમાં પત્ની અનુબહેન ટ્રેલરના પૈડાં નીચે આવી જતાં સ્થળ પર કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે પતિ દિનેશભાઇને શરીરના વિવિધ ભાગોમાં ઇજાઓ પહોંચી હતી. રોડ ઉપર ફંગોળાયેલા પતિ ઉભા થઇ પત્ની પાસે આવીને જોતા પત્નીનું મોત નીપજ્યું હતું.

આ બનાવ અંગેની જાણ કરજણ પોલીસને થતાં પોલીસ સ્થળ પર દોડી આવી હતી. મોતને ભેટેલા અનુબહેન સલાટના મૃતદેહનો કબજો લઇ કાર્યવાહી હાથ ધરી હતી. બામણ ગામ પાસે બનેલા બનાવને પગલે લોકોના ટોળાં એકઠાં થઇ ગયા હતા. અરેરાટીભર્યા આ બનાવે ગમગીની ફેલાવી દીધી હતી.

Share :

Leave a Comments