- અધિકારીઓ, કર્મચારીઓએ મૌન પાળી શહીદોને વંદના કરી
- શહેર અને જિલ્લાની સરકારી અને બિનસરકારી કચેરીઓ તથા સંસ્થાઓમાં મૌન પાળી શહીદ વંદના કરી
મહાત્મા ગાંધીના નિર્વાણ દિને મનાવાતા શહીદ દિન અનુસંધાને અહીં કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેકટર બિજલ શાહ સહિતના કર્મયોગીઓ દ્વારા એક મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. કલેક્ટર કચેરીના બેઠક કક્ષમાં નાયબ કલેક્ટર, નાયબ મામલતદારો ઉપરાંત ક્લાર્ક એકત્ર થયા હતા. કલેક્ટર બિજલ શાહ, જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા, નિવાસી અધિક કલેક્ટર બી.એસ.પટેલ પણ તેમાં જોડાયા હતા. આજે 11 વાગ્યે સૌએ સાથે મૌન પાળ્યું હતું. બાદમાં મહાત્મા ગાંધી ઉપરાંત સ્વતંત્રતા માટે પ્રાણ ન્યોછાવર કરનારા સૌ વીર હુતાત્માઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જિલ્લા પંચાયત કચેરી ખાતે પણ આ પ્રકારે સૌ અધિકારીઓ, કર્મચારીઓએ એકત્ર થઇ, મૌન પાળી શહીદોને વંદના કરી હતી. પ્રાદેશિક માહિતી કચેરી ખાતે પણ શહીદ દિન નિમિત્તે મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. અન્ય સરકારી અને બિનસરકારી કચેરીઓ, સંસ્થાઓમાં મૌન પાળી શહીદ વંદના કરવામાં આવી હતી.