- વડોદરા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અને ચિલ્ડ્રન હોમની ટીમના પ્રયાસથી બાળકનો વાલીવારસો માત્ર 12 કલાકમાં જ મળી ગયો હતો
વડોદરા રેલવે સ્ટેશન પર રેલવે પોલીસને એક 14 વર્ષનું બાળક મળી આવ્યું હતું. જેની તપાસ દરમિયાન એ બાળક બિહારનું હોવાનું રેલવે પોલીસને જાણવા મળ્યું હતું. આ બાળક વડોદરા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અમિત વસાવા તથા વડોદરા બાળ કલ્યાણ સમિતિના ચેરમેન શંકરલાલ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ બાળકની સોંપણી ચિલ્ડ્રન હોમે ફોર બોય્સ (બાલગોકુલમ) વડોદરાને કરવામાં આવી હતી.
વડોદરા રેલવે સ્ટેશન પર એક બાળક બિનવારસી રીતે આમ તેમ ફરી રહ્યું હતું. રેલવે પોલીસે આ બાળકની પૂછપરછ કરી તો બાળકે ફક્ત એટલું જણાવ્યું હતું કે, તે બિહારનો છે અને રેલવે સ્ટેશન પાસે રમતા-રમતા ટ્રેનમાં ચઢી ગયો હતો અને ટ્રેન આગળ નીકળી જતા તે વડોદરા ઉતરી ગયો હતો. રેલવે પોલીસે વડોદરા જિલ્લા બાળ સુરક્ષા કચેરીનો સંપર્ક કરી આ બાળકને શુક્રવારે રાત્રે લગભગ 9 વાગ્યે ચિલ્ડ્રન હોમે ફોર બોય્સ (બાલગોકુલમ) વડોદરા ખાતે સોંપણી કરી હતી. ચિલ્ડ્રન હોમે ફોર બોય્સના સુપ્રિટેન્ડેન્ટ ધ્રુમિલ દોશી જણાવે છે કે, 14 વર્ષના એક બાળક વડોદરા રેલવે પોલીસને મળી આવ્યું હતું અને તેની સોંપણી વડોદરા ચિલ્ડ્રન હોમે ફોર બોય્સ સંસ્થામાં કરવામાં આવી હતી. પહેલી નજરે આ બાળક ખૂબ જ ગભરાયેલી હાલતમાં લાગતું હતું. જેથી, ચિલ્ડ્રન હોમના સ્ટાફ દ્વારા કાઉન્સેલિંગ કરતા તે બાળકે જણાવ્યું હતું કે, તે બિહારના દરભંગાના જિલ્લાના સહનપુર ગનુંનનો રહેવાસી છે અને સુરત તેના માસાને ત્યાં અભ્યાસ અર્થે રહે છે, તે બાળક રમતા-રમતા ટ્રેનમાં બેસી ગયો હતો અને વડોદરા રેલ્વે સ્ટેશન પર ઉતરી ગયો હતો.
વડોદરા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અમિત વસાવા અને ચિલ્ડ્રન હોમની ટીમના સતત પ્રયાસથી બાળકનો વાલીવારસો માત્ર 12 કલાકમાં જ મળી ગયો હતો. તેના વાલીને બોલાવી બાળકની સોંપણી કરી હતી. ગુમ થયેલ બાળક ત્રણ દિવસ બાદ તેના વાલી વારસોને મળતા બાળકના વાલીએ ગુજરાત રાજ્યના તંત્રનો આભાર માન્યો હતો કે, તેમનું બાળક હેમખેમ મળ્યું હતું.