- વડોદરા ખાતે નોકરી માટે પરીક્ષા આપવા બાઇક પર આવી રહેલા અંકલેશ્વરના બે પિતરાઈ ભાઈને કારે ટક્કર મારતા રોડ પર ફંગોળાયા, સારવાર દરમિયાન એકનું મોત
વડોદરા શહેર જિલ્લામાં અકસ્માતના બે બનાવ સામે આવ્યા છે, જેમાં બે વ્યક્તિના મોત નીપજ્યા છે. શહેરના સુપર બેકરી ત્રણ રસ્તા પાસે સાયકલ સવાર વૃદ્ધને કારચાલકે અડફેટે લેતા માથાના ભાગે ગંભીર ઈજા થવાથી તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે અંકલેશ્વરના બે યુવકો પૈકી એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
શહેરના કિશનવાડી વિસ્તારના વીર ભગતસિંહ ચોક ખાતે રહેતા 62 વર્ષીય જેસીંગભાઇ પરમાર શાકભાજીની લારી ચલાવતા હતા. ગત શનિવારે રાત્રે 8 કલાકે તેઓ પોતાની સાઇકલ લઇ કામ અર્થે બહાર નીકળ્યા હતા. ત્યારબાદ નવ વાગ્યાની આસપાસ સુપર બેકરી ત્રણ રસ્તાથી કિશનવાડી તરફ વળાંક લેતા સમયે પૂરપાટ ઝડપે ઘસી આવેલ કારે સાયકલ સવાર જેસીંગભાઇને અડફેટે લેતા તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબો હોય તેમને મૃત જાહેર કર્યા હતા. પુત્રીની ફરિયાદના આધારે પોલીસે કારચાલક મનોજ સુશીલ રસ્તોગી (રહે- ધ શાઇન હરણી સમા રીંગ રોડ સિગ્નસ સ્કુલની પાછળ) વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અકસ્માતના બીજા બનાવમાં ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે હસ્તી તળાવ પાસે આવેલી કૃપાનગર સોસાયટીમાં રહેતો હિમાંશુ રમેશભાઈ પરમાર ઉંમર વર્ષ 28 તેમજ અંકલેશ્વરના અંદાડા ગામે મારુતિ નગરમાં રહેતો પિતરાઈ ભાઈ વિશ્વાસ ઠાકોરભાઈ વણકર બંને બાઈક ઉપર વડોદરા ખાતે IOCL કંપનીમાં નોકરી માટેની પરીક્ષા આપવા માટે નીકળ્યા હતા. બંને પિતરાઈ ભાઈઓ વરણામા ગામ પાસેથી પસાર થતા હતા ત્યારે પાછળથી પૂરઝડપે આવતી એક લાલ કલરની કારે બાઈકને ટક્કર મારતા બાઈક પરથી બંને ભાઈઓ રોડ પર ફંગોળાયા હતા.
બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયા બાદ વિશ્વાસનું મોત નીપજ્યું હતું. જ્યારે હિમાંશુને ગંભીર ઈજા થતાં તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. અકસ્માત કરનાર કાર પણ કાબૂ ગુમાવીને ડિવાઇડર પર ઊંધી પડી જતા તેના ચાલકને પણ ઈજા થઈ હતી. આ બનાવ અંગે વરણામા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.