સાવલી-ઉદલપુર રોડ પર ડમ્પરની ટક્કરે બાઇક સવાર આધેડનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત

છેલ્લા પંદર દિવસમાં અકસ્માતની બીજી ઘટના બનતાં પંથકમાં ગમગીની ફેલાઇ ગઇ

MailVadodara.com - A-middle-aged-biker-died-on-the-spot-after-being-hit-by-a-dumper-on-Savli-Udalpur-road

- ભારદારી વાહનોના કારણે બની રહેલી અકસ્માતોની ઘટનાઓને પગલે પંથકના લોકો રોષે ભરાયાં

- મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સાવલીની જમનોત્રી હોસ્પિટલમાં ખસેડાયો

વડોદરા જિલ્લાના સાવલી-ઉદલપુર રોડ પર વહેલી સવારે ભારદારી ડમ્પરની ટક્કરે બાઇક સવારનું સ્થળ પર કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. છેલ્લા પંદર દિવસમાં બીજી ઘટના બનતાં પંથકમાં ગમગીની ફેલાઇ ગઇ હતી. તે સાથે બેફામ જતાં ભારદારી વાહનોના કારણે બની રહેલી અકસ્માતોની ઘટનાઓને પગલે પંથકના લોકો રોષે ભરાયાં હતાં. આ બનાવ અંગે સાવલી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

મળેલી માહિતી પ્રમાણે, આજે વહેલી સવારે સાવલીના ઉદલપુર રોડ પર આવેલા સાવલી વિશ્રામ ગૃહ પાસેથી એક આધેડ બાઇક લઇને નોકરીએ જઇ રહ્યા હતા. તે દરમિયાન પૂરપાટ પસાર થતા ડમ્પરે અડફેટે લેતા તેઓ રસ્તા પર પટકાયા હતા. તેમના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને રસ્તા પર લોહી વહેવાનું શરૂ થઇ ગયું હતું. આ ઘટના બનતાં એકઠા થયેલા લોકો તેઓને હોસ્પિટલમાં લઇ જાય તે પહેલાં તેમનું સ્થળ ઉપર મોત નીપજ્યું હતું.

આ ઘટનાની જાણ સાવલી પોલીસને કરવામાં આવતા પોલીસ આવી પહોંચી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં અકસ્માતમાં મોતને ભેટેલા સાવલી તાલુકાના રસુલપુર ગામના કાલીદાસ નાગજીભાઈ હોવાનું બહાર આવ્યું હતું. દરમિયાન આ બનાવની જાણ પરિવારજનોને કરવામાં આવતા પરિવારજનો પણ દોડી આવ્યા હતા. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સાવલીની જમનોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તે સાથે પોલીસે ડમ્પરચાલક સામે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Share :

Leave a Comments