વડોદરામાં ચૂંટણી નિરીક્ષકોની હાજરીમાં ઉમેદવારો અને એજન્ટોને ચૂંટણી ખર્ચ અંગે સમજ આપવા બેઠક યોજાઈ

લોકસભાની ચૂંટણીમાં ચૂંટણી ખર્ચ માટે ઉમેદવારોએ અલાયદું બેંક ખાતું ખોલાવવાનું રહેશે

MailVadodara.com - A-meeting-was-held-in-Vadodara-to-brief-candidates-and-agents-about-election-expenses-in-the-presence-of-election-observers

- જિલ્લા ચૂંટણી અધિકારીએ કહ્યું, ઉમેદવાર ચૂંટણીમાં રૂા.95 લાખ સુધીનો ખર્ચ કરી શકશે અને પરિણામ જાહેર થયાના 30 દિવસ બાદ સંપૂર્ણ હિસાબો રજુ કરવાના રહેશે

વડોદરા કલેકટર કચેરીએ ચૂંટણી નિરીક્ષકોની હાજરીમાં ઉમેદવારો અને એજન્ટોને ચૂંટણી ખર્ચ અંગે સમજ આપવા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પોલીસ નિરીક્ષક નિવેદિતા કુમાર દાહોદ ખાતેથી ઓનલાઈન જોડાયા હતા. આ અંગે જિલ્લા ચૂંટણી અધિકારી બિજલ શાહે જણાવ્યું કે, લોકસભાની ચૂંટણીમાં ચૂંટણી ખર્ચ માટે ઉમેદવારોએ અલાયદું બેંક ખાતું ખોલાવવાનું રહેશે. ઉમેદવાર ચૂંટણીમાં 95 લાખ સુધીનો ખર્ચ કરી શકશે. ઉમેદવારોએ ચૂંટણી ખર્ચના હિસાબો દરરોજ નિભાવવાના રહેશે. ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભરવાના દિવસથી ચૂંટણી પરિણામ જાહેર થયા ત્યાં સુધીના હિસાબો રાખવાના રહેશે.


ચૂંટણી ખર્ચના નોડલ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાએ ચૂંટણી ખર્ચ સંબંધી બાબતે જણાવ્યું હતું કે, ઉમેદવારોએ નિયત નમુનામાં જરૂરી રજિસ્ટરોમાં ચુંટણી ખર્ચના હિસાબો નિભાવવાના રહેશે. આ ઉપરાંત ઉમેદવારોએ તા. 26, 30 એપ્રિલ અને 4 મે, 2024ના રોજ ચુંટણી ખર્ચના હિસાબોનું એકાઉન્ટ ટીમ સમક્ષ નિરીક્ષણ કરાવવાનું રહેશે. ઉમેદવારોએ પરિણામ જાહેર થયાના 30 દિવસ બાદ ખર્ચના સંપૂર્ણ હિસાબો રજુ કરવાના રહેશે. ઉમેદવારો અને તેના એજન્ટોને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા ચૂંટણી ખર્ચ સંબંધી જાણકારી આપવામાં આવી હતી.

Share :

Leave a Comments