- મેડિકલ સ્ટોરના માલિકે ફાયનાન્સ કંપનીના પિતા-પુત્ર સહિત 3 સામે ફરિયાદ
વડોદરામાં મેડિકલ સ્ટોરના માલિકને 70 લાખની લોન અપાવવાની લાલચ આપી લોન પ્રોસેસિંગ ફી પેટે રૂપિયા 3.97 લાખ ખંખેરી લેતા ફાયનાન્સ કંપનીના પિતા-પુત્ર સહિત 3 આરોપીઓ સામે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
શહેરના સમા વિસ્તારમાં રહેતા અને ગોત્રી વિસ્તારમાં મેડિકલ સ્ટોર ચલાવતા 51 વર્ષીય હરેશ રતવાણીએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હું ગોત્રી રોડ પર કલ્યાણ કોમર્શિયલ હબમાં મેડિકલ સ્ટોર અને ક્લિનિક ચલાવું છું. વર્ષ-2021માં મેં ફેસબુક પર વ્યાસ ફાયનાન્સ નામનું પેજ જોયું હતું અને તેના ઉપર અલગ-અલગ લોન સંબંધી જાહેરાત આપી હતી. જેથી આ સમય દરમિયાન મારે ધંધો વધારવા માટે બિઝનેસ લોનની જરૂર હતી. જેથી મેં વ્યાસ ફાયનાન્સ લેન્ડ લાઈનના ફોન નંબર ઉપર ફોન કરતાં હર્ષ શર્મા નામના કંપનીના કર્મચારી સાથે લોન બાબતે વાતચીત થઇ હતી. અમે લોન લેવા સહમતી દર્શાવી હતી અને ત્યારબાદ વ્યાસ ફાયનાન્સના કર્મચારી હર્ષ શર્માના તેઓનો તેમના કહેવા પ્રમાણે લોન લેવા માટે મેઇલ અને વોટ્સએપ પર દસ્તાવેજો આપ્યા હતા. અમારા દસ્તાવેજોના આધાર ઉપર પ્રથમ લોન ઓફર લેટર પ્રાપ્ત થયો હતો.
ઓફર લેટરમાં વ્યાસ ફાઇનાન્સ કંપનીનું સરનામું જયપુર, રાજસ્થાન દર્શાવેલું હતું. જેથી તેમને વિશ્વાસ આવી ગયો હતો. જેથી કંપનીના ભેજાબાજે પ્રોસેસિંગ ફી, વીમા પેટે તેમજ સ્ટેમ્પ ડયુટી પેટે 3.97 લાખ વ્યાસ ફાયનાન્સ કંપનીને ચૂકવી દીધા હતા. ત્યારબાદમાં કંપનીમાંથી અમારી લોન મંજૂર થઈ ગઈ છે તેવું કહીને 70 લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો હતો. પરંતુ, ત્યારબાદ આ ચેક ચાલુ ખાતાનો છે, પરત મોકલો તેના બદલામાં કરંટ એકાઉન્ટનો નવો ચેક આપવામાં આવશે, તેમ કહેતાં મેં ચેક પરત મોકલી આપ્યો હતો.
જાેકે વારંવાર સંપર્ક કર્યા બાદ વર્ષ 2022માં નવો ચેક કુરીયરથી મારા પર મોકલી આપ્યો હતો. પરંતુ કંપની તરફથી જણાવ્યું હતું કે તમે ચેક નાખશો નહીં, કારણ કે, ઇસીએસની પ્રક્રિયા કરવાની બાકી છે. બેંકમાં નાખતા નહીં, તમને એનઇએફટી દ્વારા ચૂકવી આપીશું, પરંતુ ત્યારબાદ વારંવાર સંપર્ક કરવા છતાં મારો ફોન ઉપાડતા ન હતા અને જવાબ આપવાનું પણ બંધ કરી દીધું હતું. બાદમાં ડાયરેક્ટર દિપક વ્યાસનો સંપર્ક કરતા થઇ શક્યો ન હતો. તેથી મેં કંપની દ્વારા મોકલી આપેલો ચેક બેંકમાં ડિપોઝિટ કરાવતા રિટર્ન થયો હતો. મેં આ મામલે કંપની ડાયરેક્ટર દિપક રામબાબુ વ્યાસ, રામબાબુ વ્યાસ અને સુમિત શર્મા સામે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.