- અચાનક આગ ફાટી નીકળતા ફાયર લાશ્કરોએ 45 મિનિટની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો, 6થી વધુ ફાયર ટેન્કરની મદદથી આગને કાબૂમાં લેવાઇ
વડોદરા શહેરના મકરપુરામાં SRP ગ્રુપ-9માં પણ સ્ટોરરૂમમાં વિકરાળ આગ લાગી છે. ફાયર લાશ્કરોએ 45 મિનિટની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. હાલ ફાયરબ્રિગેડ ટીમ ઘટનાસ્થળે હાજર છે અને હાલ કુલિંગની કામગીરી ચાલી રહી છે.
વડોદરાના મકરપુરા વિસ્તારમાં આવેલા એસઆરપી ગ્રુપ 9 ના સ્ટોર રૂમોમાં અચાનક આગ ફાટી નીકળતા ફાયર લાશ્કરોએ 45 મિનિટની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ વિકરાળ આગમાં સ્ટોર રૂમોમાં રાખેલ મટીરીયલ સળગીને રાખ થઈ જતા નુકસાન પહોંચ્યું છે. બનાવની જાણ થતાં જીઆઇડીસી, ગાજરાવાડી, ટીપી 13, દાંડિયા બજાર ફાયર સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. 6થી વધુ ફાયર ટેન્કરની મદદથી આગને કાબૂમાં લેવાયો હતો. ફાયરની ટીમની મદદમાં એસઆરપીના જવાનો અને લાઇન બોય પણ જોડાયા હતા.
સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી. આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આગ ઉપર કાબુ મેળવ્યા બાદ હાલ કુલિંગની કામગીરી ચાલી રહી છે. એસઆરપી ગ્રુપના સ્ટોરેજ એરિયામાં આગ લાગી ગઈ હતી. પ્રાથમિક તબક્કે શોર્ટસર્કિટ કે ઓવર વાયર હિટિંગના કારણે આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. સ્ટોરેજમાં રહેલો સંપૂર્ણ સામાન બળીને ખાખ થઈ ગયો છે.
આ અંગે સ્ટેશન ફાયર ઓફિસર નિકુંજ આઝાદે જણાવ્યું હતું કે, ડેરી સર્કલ પાસે ડીમાર્ટની સામે એસઆરપી ગ્રુપમાં ફાયરનો કોલ જીઆઇડીસી ફાયર સ્ટેશનને મળતા જીઆઇડીસી, ટીપી-13, ગાજરાવાડી ફાયર સ્ટેશનની ટીમો ઘટનાસ્થળે આવી ગઈ હતી. મુખ્ય ચેલેન્જ એ હતી કે તેમાં ગેસ સિલિન્ડર હતા તેને પણ કુલિંગ કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ઘટનાની જાણ થતા મદદનીશ પોલીસ કમિશનર, ફાયર ઓફિસર, એસઆરપી ગ્રુપના અધિકારીઓ કર્મચારીઓ સ્થળ પર દોડી ગયા હતા. વર્ષો જૂનું બાંધકામ ધરાવતા આ સ્ટોર રૂમમાં લાકડાનું પ્રમાણ વધુ હોય આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ આગના કારણે સ્ટોર રૂમમાં રાખેલ ટેન્ટ, લાકડાની વસ્તુઓ, ગેસના બોટલ, સાધન સામગ્રી સહિતનુ મટીરીયલ સળગીને રાખ થઈ જતા નુકસાન પહોંચ્યું છે.