વાઘોડિયા ચોકડી પાસે વિરાટ એસ્ટેટમાં આવેલા પ્લાસ્ટીકના ગોડાઉનમાં મધરાત્રે ભીષણ આગ

અઢી લાખ લિટર પાણીનો મારો ચલાવી 6 કલાકે આગ કાબુમાં લીધી

MailVadodara.com - A-massive-fire-broke-out-in-a-plastic-godown-in-Virat-Estate-near-Waghodia-Chowkdi-at-midnight

- મેજર કોલ જાહેર કરાતા પાણીગેટ, જીઆઇડીસી, ERC અને ગાજરાવાડી સહિતના ફાયર સ્ટેશનોના લાશ્કરો સ્થળ ઉપર દોડી ગયા


શહેર બહારથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 વાઘોડિયા ચોકડી પાસે આવેલ વિરાટ એસ્ટેટ સ્થિત પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં મધરાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ બનાવની જાણ ફાયરબ્રિગેડને કરાતા મેજર કોલ જાહેર કરાયો હતો. મેજર કોલ જાહેર કરાતા આ વિકરાળ આગને બૂઝાવવા માટે પાણીગેટ, જીઆઇડીસી, ઇ.આર.સી. અને ગાજરાવાડી ફાયર સ્ટેશનના ફાયર ફાઈટરો સ્થળ પર દોડી ગયા હતા અને અઢી લાખ લિટર જેટલો પાણીનો મારો ચલાવી 6 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી.

મળેલી માહિતી પ્રમાણે શહેર બહારથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 પાસે વિરાટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ આવેલું છે. આ એસ્ટેટના 301 નંબરના પ્લોટમાં પ્લાસ્ટિકનું ગોડાઉન હતું. મોડીરાત્રે 1.30 વાગ્યાના સુમારે ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી. પ્લાસ્ટિકનો ભંગાર અને રો-મટિરિયલના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ આગના બનાવની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવતા પાણીગેટ ફાયરબ્રિગેડના જવાનો સ્થળ પર દોડી ગયા હતા. પરંતુ, સ્થળ પર પહોંચ્યા બાદ આગનું વિકરાળ સ્વરૂપ જોઈને આગને મેજર કોલ જાહેર કરાવ્યો હતો.


ભીષણ આગને સ્ટેશન ઓફિસ અમીત ચૌધરીના માર્ગદર્શન હેઠળ, સબ સ્ટેશન ઓફિસર જસ્મીન પટેલ, વિરેન ગઢવી અને વિનોદ મોહિતે 60 લાશ્કરો સાથે અઢી લાખ લિટર પાણીનો ચારે બાજુથી મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. આગની કામગીરીમાં ફાયર સ્ટેશનના 13 જેટલા વાહનો કામે લગાવ્યા હતા.

ફાયર ઓફિસર અમીત ચૌધરીએ જણાવ્યું હતું કે, આગ ભીષણ હોવાથી મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. આગને કાબૂમાં લેવા માટે ગોડાઉનની એક દિવાલ રાત્રે તોડી પાડવામાં આવી હતી અને બીજી દિવાલ સવારે તોડી પાડવામાં આવી હતી. 6 કલાકની જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી. મોડી સવારે કુલિંગની કામગીર શરૂ કરવામાં આવી હતી. આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ, આગના આ બનાવે પંથકમાં ગભરાટ ફેલાવી દીધો હતો. આગમાં ગોડાઉન બળીને ખાખ થઇ ગયું છે. આગનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પરંતુ, ભેજના કારણે શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે.


મધરાત્રે લાગેલી આગની જ્વાળાઓ દૂર દૂર સુધી દેખાઇ હતી. આકાશને ચુંબતી આગની જ્વાળાઓએ લોકોમાં ગભરાટ ફેલાવી દીધો હતો. આ બનાવને પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. ભીષણ આગને પગલે પોલીસ અને વીજ કંપનીની ટીમો તૈનાત થઇ ગઇ હતી. સાવચેતીના ભાગરૂપે કામગીરી કરી હતી. ભીષણ આગને પગલે ફાયર બ્રિગેડની ગાડીઓના સાઇરનથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. આગ કાબુમાં આવ્યા બાદ ધુમાડાના ગોટાઓથી આકાશ છવાઇ ગયું હતું.


Share :

Leave a Comments