- રેસ્ટોરન્ટની આગના પગલે બીજા માળે આવેલી હોસ્પિટલમાં લોકોના જીવ પડીકે બંધાયા
શહેરના સમા-સાવલી રોડ પર આવેલી પીઝા શોપમાં આજે સવારે આગ લાગ્યા બાદ પીઝા શોપની ફાયર સિસ્ટમ જ ચાલુ ન થતાં દોડધામ મચી હતી. ફાયરબ્રિગેડના જવાનોએ ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.
વડોદરા શહેરના સમા-સાવલી રોડ પર આવેલા સિદ્ધાર્થ એનેક્સ-૪ બિલ્ડીંગના પહેલા માટે આવેલી ટ્રિગનો પીઝા નામની રેસ્ટોરાંમાં આજે સવારે આગ લાગી હતી. જોકે આગ એટલી વિકરાળ બની ગઇ હતી કે થોડી જ વારમાં પહેલાં માળે લાગેલી આગ બીજા માળ સુધી પહોંચી ગઇ છે.
રેસ્ટોરન્ટમાં લાગેલી આગ બીજા માળે આવેલી અવનિ વિમેન્સ હોસ્પિટલ સુધી પહોંચી જતાં ધુમાડા છવાઇ ગયા હતા. જેના લીધે હોસ્પિટલમાં ગર્ભવતી મહિલાઓમાં દોડધામ મચી ગઇ છે. જોકે ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા કેટલાક કર્મચારીઓ બહાર આવી ગયા હતા. આગની જાણ થતાં જ ફાયર વિભાગ અને પોલીસની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર બિગડે તમામ રૂમો ચેક કરી ખાલી કરાવ્યા હતા. લગભગ એકથી દોઢ કલાકની જહેમત બાદ આગને કાબુમાં લેવામાં આવી હતી. આગ એટલી ભીષણ હતી કે લગભગ આખી રેસ્ટોરાં આગની ચપેટમાં આવી ગઈ હતી. આ આગની જ્વાળાઓમાં અનેક ઓફિસો બળીને ખાખ થઇ ગઇ હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.
ઉલ્લેખનીય છે કે, જોકે સદનસીબે વહેલી સવારે આગ લાગી હોવાથી પિત્ઝા શોપમાં ગ્રાહકો હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે. ભીષણ આગના કારણે બિલ્ડિંગના કાચ ધડાકા સાથે તૂટી પડ્યા હતા. હાલ ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવી કુલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
સ્થાનિકે કહ્યું હતું કે, પિઝા શોપમાં લાગેલી આગ ઉપરના માળે આવેલી અવનિ વિમેન્સ હોસ્પિટલ સુધી પ્રસરી હતી. એક મહિલાની ડિલિવરી કરવાની હતી ત્યારે જ આગ લાગતા તબીબો દ્વારા તે મહિલાને અન્ય જગ્યાએ શિફ્ટ કરી દીધાં હતાં.
પ્રત્યક્ષદર્શીએ કહ્યું હતું કે, હું મારી ઓફિસે આવ્યો ત્યારે ફર્સ્ટ ફ્લોર પર પિઝા શોપમાં આગ લાગી હતી. ખબર પડી કે પિઝાના ઓવનમાંથી આગ લાગી હતી. ત્યારબાદ આગ એટલી વધી હતી કે કાચ તૂટવા લાગ્યા હતા. આસપાસની ઓફિસના લોકો ગભરાઈ ગયા હતા.
ઘટનાના પગલે સ્થળ પર પહોંચેલા ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર નિકુંજ આઝાદે કહ્યું હતું કે, રેસ્ટોરન્ટને ફાયર સેફ્ટીની પૂર્તતા કરવા માટે ભૂતકાળમાં નોટિસ આપવામાં આવેલી છે પરંતુ, તે પૂર્તતા કરવામાં આવેલી નથી તે અંગે કાર્યવાહી કરાશે. સાથે કહ્યું હતું કે, અમે નોટિસની પૂર્તતા કરવા માટે જાણ કરતા હોઈએ છીએ. જે તે મિલ્કતધારકની જવાબદારી છે કે નોટિસની પૂર્તતા કરે. આપણે નોટિસ સિવાય કંઈ ન કરી શકાય.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ફાયર એનઓસી મામલે આપણે એએમસી'(એન્યુઅલ મેઈન્ટેન્નસ કોન્ટ્રાક્ટ) લેતા હોઈએ છીએ. તે જગ્યાએ તેઓને પોતે જ કાર્યવાહી કરવાની હોય છે તે લોકો સિસ્ટમનું મેઈન્ટેનન્સ કરતા હોય છે. ભૂતકાળમાં રેસ્ટોરન્ટને નોટિસ આપેલી છે. પરંતુ, તેઓએ પૂર્તતા કરેલી નથી એટલે આગળની કાર્યવાહી કરીશું. હાલ બંધ કરવા આદેશ કર્યો છે. વીજ કનેકશન કટ કરાવી દઈશું.