મૂળ પશ્ચિમ બંગાળના અને વડોદરામાં રહેતા શખસે વડોદરા પાસપોર્ટ ઓફિસમાં પાસપોર્ટ કઢાવવા કરેલી અરજીમાં બનાવટી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ રજૂ કર્યું હતું. જેના વિરુદ્ધ વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદના આધારે ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરાના નિઝામપુરા ખાતે આવેલી પાસપોર્ટ ઓફિસ ખાતે આસિસ્ટન્ટ પાસપોર્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતા હરીશ અર્જુનભાઇ મલાણી (ઉ.54)એ વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હું અગાઉ અમદાવાદ ખાતે પાસપોર્ટ ઓફિસમાં ફરજ બજાવતો હતો. ગત તા.26/08/2021ના રોજ અરજદાર અનીશઅલી ઓજેદઅલી શેખ (રહે. પહેલવાનનો ખાંચો, ગામા મંજીલ પાસે, યાકુતપુરા, વડોદરા, મૂળ રહે. ચાઉતારા, તા.બેન્ડેલ, જિ.હુગલી, હાવરા, પશ્ચિમ બંગાળ)એ પાસપોર્ટ મેળવવા વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં આવેલી રીજીયોનલ પાસપોર્ટ કચેરીમાં અરજી કરી હતી.
આ દરમિયાન અનસઅલી શેખને તા.06/09/2021ના રોજ એપોઇમેન્ટ ડેટ આપી છે. જે અરજીમાં અરજદારે દસ્તાવેજો કર્યા હતા. જેમાં સ્કૂલ લિવિંગ સર્ટીફિકેટ પશ્ચિમ બંગાળના હાવરાની મદ્રાસાહ અશ્ર-ફુલ-ઓલુમ ઉર્દુ પ્રાયમરી સ્કૂલનું રજૂ કર્યું હતું. આ સ્કૂલ લિવિંગ સર્ટીફિકેટ પ્રાથમિક દ્રષ્ટીએ ખોટું હોવાનું જણાયું હતું. જેથી, અમદાવાદ રિજીયોનલ પાસપોર્ટ ઓફિસના આસિન્ટન્ટ પાસપોર્ટ ઓફિસરે તા. 11/03/2022ના રોજ વડોદરા શહેર પોલીસ કમિશનરને લિવિંગ સર્ટિફિકેટની તપાસ કરવા માટે પત્ર લખ્યો હતો.
ત્યારબાદ વડોદરા શહેર પોલીસ કમિશનરે સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ મારફતે અરજદારે પાસપોર્ટ મેળવવા રજૂ કરેલ સ્કૂલ લિવિંગ સર્ટીફિકેટની સહિતના દસ્તાવેજી પુરાવાઓની ખરાઇ કરાવી હતી. જેમાં અરજદાર અનિશઅલી ઓજેદઅલી શેખે તેના પશ્ચિમ બંગાળમાં ધો, 1થી 3 સુધી અભ્યાસ કર્યો હતો અને વર્ષ-2021ની વડોદરા શહેર ખાતે કાયમી વસવાટ કરે છે અને તેને પાસપોર્ટની જરૂરીયાત હોવાથી પશ્ચિમ બંગાળ ખાતે રમઝાન અંસારી (રહે. બાવરીયા ગામ, બડાગેટ, પશ્ચિમ બંગાળ) પાસે સ્કૂલમાંથી સર્ટીફિકેટ મેળવવાની વાત કરી હતી. જેથી રમઝાન અંસારી તેના મિત્ર પઠાણ અબ્દુલ અર્શદ અબ્દુલ અહદ મારફતે મદ્રાસાહ અશ્ર-ફુલ-ઓલુમ ઉર્દુ પ્રાયમરી સ્કૂલનું સર્ટીફિકેટ જન્મ તારીખ સાથેનું મોકલી આપ્યું હતું. આ લિવિંગ સર્ટીફિકેટ બનાવટી હોવાનું બહાર આવ્યું હતું. અમદાવાદ ખાતેની રીયોજનલ પાસપોર્ટ ઓફિસ તરફથી મને ફરીયાદ કરવા સૂચના મળતા વડોદરા ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આરોપીની શોધખોળ શરૂ કરી છે.