વડોદરાના સાવલીમાં વધુ પ્રમાણમાં તાડી પીવાથી એક વ્યક્તિનું મોત, પરિવારે ભારે આક્રંદ કરી મૂક્યો

ગોઠડા સહિત આસપાસમાં બેરોકટોક વેચાઇ રહેલી તાડી અંગે તંત્ર સામે રોષ ઠાલવ્યો

MailVadodara.com - A-man-died-of-toddy-overdose-in-Vadodara-Sawli-leaving-the-family-in-deep-mourning

- સાવલીની આજુબાજુના વિસ્તારમાં ચાલતી સફેદ નશાની હાટડીઓ પર 10 રૂપિયામાં તાડી વેચાઇ રહી હોવાનો પરિવાર અને ગામ લોકોનો આક્ષેપ

વડોદરાના સાવલી તાલુકાના ગોઠડા ગામમાં વધુ પ્રમાણમાં તાડી પીવાથી એક વ્યક્તિનું મોત નિપજયું હતું. આ બનાવ અંગે ગામમાં ગમગીની ફેલાઇ ગઇ હતી.


મળેલી માહિતી પ્રમાણે સાવલી તાલુકાના ગોઠડા ગામમાં રહેતા મનુભાઇ બુધાભાઇ ભોઇનું તાડી પીવાના કારણે મોત નિપજતાં ગામમાં ગમગીની ફેલાઇ ગઇ હતી. તે સાથે બનાવે ગામમાં ચકચાર જગાવી મૂકી હતી. ફળીયાનો ધૂળેટીનો ઉત્સાહ શોકમાં ફેરવાઇ ગયો હતો. મોતને ભેટેલા ત્રણ સંતાનોના પિતા હતા.

મૃતક મનુભાઇના ભાઇ રમેશભાઇ ભોઇએ જણાવ્યું હતું કે, ધોળા નશાના કાળા કારોબારે ધુળેટી પર્વે પરિવારના મોભીનો ભોગ લીધો છે. આ કારોબાર બંધ નહીં થાય તો આવનારા સમયમાં અનેક લોકો ભોગ બનશે. મારા ભાઇનું મોત તાડી પીવાથી થયું છે. મારો ભાઇ જ્યાં તાડી વેચાતી હતી ત્યાં બેભાન પડ્યો હતો.


તાડીની હાટડી પાસે પડેલા મૃતક મનુભાઈની પરિવારજનોને જાણ થતાં તેઓ તાડીની હાટડી પાસે દોડી ગયા હતા. અને તેઓને સાવલીના જમનોત્રી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ ગયા હતા. જ્યાં તબીબોએ તેઓને મૃત જાહેર કર્યા હતા. મનુભાઇને મૃત જાહેર કરાતા જ પરિવારે ભારે આક્રંદ કરી મૂક્યો હતો. ગોઠડા સહિત આસપાસમાં બેરોકટોક વેચાઇ રહેલી તાડી અંગે તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો.


પરિવાર અને ગામ લોકોએ એવો પણ આક્ષેપ મૂક્યો હતો કે, સાવલીની આજુબાજુના વિસ્તારમાં ચાલતી સફેદ નશાની હાટડીઓ પર 10 રૂપિયામાં તાડી વેચાઇ રહી છે. તાડી પીવાથી લોકોના મોત થઇ રહ્યા છે. કેટલીક જગ્યાએ હાલમાં પણ રોડ સાઈડમાં પરપ્રાંતીય મહિલાઓ દ્વારા તાડીનું ધૂમ વેચાણ કરવામાં આવી રહ્યું છે. તેવો આક્ષેપ મૂકી હોબાળો મચાવ્યો હતો.


સાવલી તાલુકાના ગોઠડા ગામમાં કથીત તાડી પીવાના કારણે એક વ્યક્તિનું મોત નિપજતાં સાવલી પોલીસ પણ દોડતી થઇ હતી. આ બનાવ અંગે સાવલ મંજુસર પોલીસે તપાસ હાથ ધરી હતી. આ બનાવે સમગ્ર સાવલી પંથકમાં ચકચાર જગાવી મૂકી હતી.

Share :

Leave a Comments