વડોદરા સેન્ટ્રલ જેલમાંથી પેરોલ મેળવ્યા બાદ પરત નહિ આવનાર આજીવન કેદની સજા ભોગવતા આરોપીને શહેર ક્રાઈમ બ્રાન્ચની પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા શોધી કાઢીને પરત સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યો હતો.
કરજણ પોલીસ મથકમાં વર્ષ 2006માં દાખલ થયેલા હત્યાના ગુન્હામાં વડસર ખાતે રહેતા આરોપી રમેશ શંકરભાઈ રાઠોડિયાને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી. જે સજા તેઓ વડોદરા સેન્ટ્રલ જેલમાં કાપી રહ્યા હતા. ગત 8 મે ના રોજ રમેશ શંકરભાઈ રાઠોડિયાને પેરોલ પર મુક્ત કરવામાં આવ્યા હતા. જેઓની પેરોલ તા.23 મે ના રોજ સમાપ્ત થઇ હતી. જે બાદ પણ તેઓ જેલમાં પરત નહિ ફરતા વડોદરા ક્રાઈમ બ્રાન્ચની પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા તેઓની તપાસ હાથ ધરવામાં આવી હતી. જ્યાં સ્કવોડના માણસોને બાતમી મળી હતી કે પેરોલ જંપ કરીને રમેશ રાઠોડિયા વાઘોડિયા તાલુકાના ગુતાલ ગામે છુપાયેલો છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને રમેશ શંકરભાઈ રાઠોડિયાને ઝડપી પાડ્યા હતા. અને સેન્ટ્રલ જેલ સત્તાધીશોના હવાલે કર્યા હતા.